વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીમાં આવેલ માલેગામ ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સીલ સ્કૂલ,માલેગામનાં પરિસરમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પૂજા યાદવના અધ્યક્ષ સ્થાને ‘ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી’ અંતર્ગત એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને મજબૂત કરવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામજનોએ તેમના મુખ્ય પ્રશ્નો રજૂ કર્યા હતા અને પોલીસ અધિક્ષકે તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી.આ કાર્યક્રમમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. પી.ડી.ગોંડલીયા સહિત પોલીસ કર્મીઓ તેમજ માલેગામ ગ્રુપ ગ્રામ પંચાયત, સોનુનિયા ગ્રુપ ગ્રામ પંચાયત, અને ગોટીયામાળ ગ્રુપ ગ્રામ પંચાયત,શામગહાન ગ્રુપ ગ્રામ પંચાયતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ સંવાદ દરમિયાન ગ્રામજનોએ મુખ્યત્વે સાપુતારા અને માલેગામ વિસ્તારમાં બેફામ બાઈક રાઈડરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.વધુમાં, માલેગામના સરપંચ તન્મયબેન ઠાકરે દ્વારા ટ્રાફિક અને સલામતી સંબંધી અગત્યની રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે માલેગામ વિસ્તારમાં ટેન્ટ સીટી અને રિસોર્ટની સંખ્યા વધુ હોવાથી તહેવારો દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે.આ ઉપરાંત ગામની આંગણવાડી,પ્રાથમિક સ્કૂલ ગામનાં આંતરિક માર્ગની નજીક આવેલી હોવાથી બાળકો માટે અકસ્માતની સંભાવના વધારે છે. તેમણે ગામનો માર્ગ માત્ર ૩ મીટર જેટલો સાંકડો હોવાથી લક્ઝરી બસોનું પાર્કિંગ ગામ બહાર કરવાની તેમજ સાપુતારાના ઘાટ માર્ગમાં થતા અકસ્માતોનું નિવારણ કરવા માટે પગલાં લેવા રજૂઆત કરી હતી.ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને પોલીસ અધિક્ષક પૂજા યાદવે તાત્કાલિક કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું હતુ.તેમણે જણાવ્યું હતું કે સાપુતારાના ઘાટ માર્ગમાં અકસ્માત સંબંધી જરૂરી પગલાં ભરવામાં આવશે, અને પ્રવાસીઓની સુવિધા તેમજ સ્થાનિકોની સુરક્ષા માટે સાપુતારા વિસ્તારમાં ટ્રાફિકનું સુચારૂ આયોજન કરવામાં આવશે. તેમજ બાઈક રાઇડરો સામે પણ નિયમાનુસાર કડક કાર્યવાહી હાથ ધરાશે.પોલીસ અધિક્ષકે સુરક્ષા સંબંધી મહત્વના મુદ્દાઓ પર પણ ગ્રામજનોનું ધ્યાન દોર્યું હતું. તેમણે લોકોને હાલના સમયમાં વધી રહેલા ફ્રોડ કોલ્સ (સાયબર ફ્રોડ)થી બચવા માટે જાગૃત રહેવા અને કોઈ અજાણી વ્યક્તિ સાથે બેન્ક વિગતો કે OTP શેર ન કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે ઇમરજન્સી સેવા માટે ‘૧૧૨’ નંબર અંગે વિસ્તૃત સમજણ આપી હતી અને સી-ટીમ (મહિલા સુરક્ષા માટેની ટીમ)ની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે લુખ્ખા તત્વો સામે ‘લાલ આંખ’ કરવાની ખાતરી આપીને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.અંતે, ડાંગ જિલ્લા પોલીસ વડાએ સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા લાગુ દરેક ગામડાની નિયમિત મુલાકાત લેવા માટે તાકીદ કરી હતી. તેમણે ગ્રામજનોને શિક્ષણ સહિતની સરકારી યોજનાઓના લાભ મેળવવામાં કોઈ અગવડ કે મુશ્કેલી પડતી હોય તો નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતુ.જેથી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડી શકાય.આ કાર્યક્રમથી પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સકારાત્મક સંવાદનો માહોલ સર્જાયો હતો..