GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કામગીરી, 462 આરોપીઓના ચેકિંગની ઝુંબેશ શરૂ.

 

પ્રતિનિધી ગોધરા તા.20

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે વિશાળ સ્તરે ચેકિંગ અને વેરિફિકેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલા વિશેષ આદેશના આધારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

 

રાજ્ય સ્તરે મળેલી સૂચના અનુસાર, છેલ્લા 20 વર્ષ દરમ્યાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત દાખલ થયેલા તમામ ગુનાઓના આરોપીઓનું 100 કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશને અનુરૂપ પંચમહાલ જિલ્લામાં પણ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.

 

પંચમહાલ-દાહોદ-મહીસાગર રેન્જ આઇજી આર.વી. અસારી તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કુલ 462 આરોપીઓનું તાત્કાલિક ચેકિંગ કરવામાં આવે.આ સૂચના મુજબ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આશરે 100 જેટલા ઇસમોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.જ્યારે બાકીનાં આરોપીઓની તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઝુંબેશનો ઉદ્દેશ જિલ્લામાં શાંતિ-સુવ્યવસ્થા જાળવવા તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાથવાનો છે.જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ ફરી ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલો જોવા મળશે તો તેના સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.પંચમહાલ જિલ્લાની પોલીસની આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાના માળખાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થયો છે અને આવનારા સમયમાં આ પ્રકારની કામગીરી નિયમિત રીતે કરવામાં આવશે એવી જાણકારી પણ પોલીસ તંત્ર તરફથી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!