
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા,ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.આ કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી,પરંતુ એકંદરે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોને ગરમીથી રાહત મળી હતી. ડાંગનાં ગાઢ જંગલો અને પહાડી વિસ્તારોમાં વરસાદ પડવાથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો છે.ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હાલમાં પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. દિવાળીના લાંબા વેકેશન અને હાલમાં ચાલી રહેલા ‘દિવાળી વેકેશન ફેસ્ટિવલ’ના કારણે સાપુતારાના તમામ રોડ-રસ્તાઓ અને હોટેલો ‘હાઉસફુલ’ની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. દૂર-દૂરથી આવેલા પ્રવાસીઓની ભારે ભીડને કારણે સાપુતારાનો ઘાટમાર્ગ અને મુખ્ય બજારો ધમધમી રહ્યા છે. દિવાળી વેકેશન ફેસ્ટિવલ અને વરસાદી માહોલનો અદભૂત સંયોગ જોવા મળી રહ્યો છે.સાપુતારા ખાતે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘દિવાળી વેકેશન ફેસ્ટિવલ’ અને ડાંગમાં સર્જાયેલા અણધાર્યા વરસાદી માહોલનો સંયોગ પ્રવાસીઓ માટે અદભૂત બની ગયો છે. ફેસ્ટિવલ અંતર્ગત યોજાઈ રહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો, હસ્તકળાના પ્રદર્શનો અને મ્યુઝિકલ ઇવેન્ટ્સમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે.દિવસ દરમિયાન જ્યારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાય છે અને ઝરમર વરસાદ પડે છે, ત્યારે પ્રવાસીઓ કાર્યક્રમોની સાથે સાથે આ આહલાદક વરસાદી માહોલની લિજ્જત પણ માણી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ છત્રી અને રેઇનકોટમાં સજ્જ થઈને પહાડી સૌંદર્યના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા છે.આ અનન્ય સંયોગને કારણે સાપુતારામાં જાણે ‘મિનિ કાશ્મીર’ જેવો માહોલ સર્જાયો છે, જ્યાં એક તરફ ઉત્સવની રંગત છે અને બીજી તરફ કુદરતી સૌંદર્ય ચરમસીમા પર છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને નદી અને ધોધથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે..





