દહેજમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગને અટકાવવા પહેલ:બિરલા કોપરે ગ્રામ પંચાયતને 35 લાખનું રોબોટિક ક્લીનર આપ્યું, હવે મુખ્ય ગટરની સફાઈ સુરક્ષિત રીતે થશે



સમીર પટેલ, ભરૂચ
દહેજ હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ-બિરલા કોપરે તેમની કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ દહેજ ગ્રામ પંચાયતને રૂ.35 લાખનું રોબોટિક ગટર સફાઈ મશીન આપ્યું છે.
આ મશીનનું લોકાર્પણ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને દહેજના સરપંચની ઉપસ્થિતિમાં ભુદેવ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું. અગાઉ દહેજમાં ડ્રેનેજની સફાઈ માટે મજૂરોને જોખમી પરિસ્થિતિમાં મુખ્ય ગટરમાં ઉતરવું પડતું હતું. આના કારણે અનેક દુર્ઘટનાઓ બની હતી. આ જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે રોબોટિક મશીનની માંગણી કરી હતી.
નવા રોબોટિક મશીનથી હવે મુખ્ય ગટરમાં ઉતર્યા વિના સફાઈ કરી શકાશે. કચરાનું નિરીક્ષણ પણ સરળતાથી થઈ શકશે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની સફાઈ વધુ અસરકારક રીતે થશે. આનાથી માનવીય દુર્ઘટનાઓમાં ઘટાડો થશે.
લોકાર્પણ સમારોહમાં બિરલા કોપર યુનિટ હેડ કે.કુમારવેલ, એચ.આર. હેડ ઉદિતાભ મિશ્રા, CSR હેડ મૌલિક પરમાર, જ્યોત્સના ગોહિલ અને હિન્ડાલ્કોના અવિજિત સહિત બિરલા કોપર ટીમ હાજર રહી હતી. દહેજના સરપંચ જયદિપસિંહ રણા, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.



