દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરી એક વખત ખોટા મરણના દાખલાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યું
તા.૧૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરી એક વખત ખોટા મરણના દાખલાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં દસ્તાવેજી વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી તંત્રની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે. તાજેતરમાં જ એક પુત્રએ પોતાના જીવિત પિતાનું મરણ પ્રમાણપત્ર કઢાવ્યાનો કિસ્સો તાજો હતો, ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.મળતી માહિતી અનુસાર મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિએ જ પોતાની પત્નીનો મરણ દાખલો નગરપાલિકામાંથી તૈયાર કરાવ્યો હતો. આ ખોટા પ્રમાણપત્રની હકીકત પંચરોજકામ દરમ્યાન બહાર આવી, જ્યાં મહિલાના પુત્ર દ્વારા સ્પષ્ટપણે કબૂલાત આપવામાં આવી કે મંજુલાબેન હજી જીવીત છે.આ ઘટના પ્રકાશમાં આવતા નગરપાલિકાના વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક પગલાં રૂપે નગરપાલિકા દ્વારા પોલીસે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આ ખોટું મરણ પ્રમાણપત્ર કયા હેતુસર બનાવવામાં આવ્યું? શું કોઈ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ થયો હતો? કે પછી અન્ય કોઈ કાયદાકીય લાભ મેળવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું?નગરપાલિકા સ્રોતો મુજબ સમગ્ર કિસ્સાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે તમામ દ્રષ્ટિએ તપાસ કરી રહી છે, જેથી સત્ય સામે આવી શકે. આ પ્રકારની ઘટનાઓ માત્ર એક વ્યક્તિ કે પરિવાર સુધી સીમિત નથી રહેતી, પરંતુ સમગ્ર વહીવટી વ્યવસ્થાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.સામાજિક અને કાયદાકીય સ્તરે આ પ્રકારના ખોટા દાખલા બનાવવાના કિસ્સાઓ ચિંતાજનક છે. આવા બનાવો વહીવટી તંત્રની કામગીરીની ખામીઓ, ભ્રષ્ટાચાર અને બેદરકારીને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં સાચું કારણ બહાર આવી શકે છે કે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં. રિપોર્ટર- વિપુલકુમાર બારીયા