વન વિભાગ દ્વારા શહિદ શક્તિસિંહ વિસાણાના ધર્મપત્ની નયનાબેન વિસાણા વય નિવૃત્ત થતા સાથી કર્મચારીઓ દ્વારા અપાયો ભાવસભર વિદાયમાન
ફરજ કાજે યુવાન વયે શહાદત વહોરનાર અમર શહિદ શક્તિસિંહ વિસાણાની અનોખી શૌર્ય ગાથા
જૂનાગઢ તા. ૨૯ જૂનાગઢ ખાતે જન્મ લેનાર અમર શહિદ શ્રી શક્તિસિંહ વિસાણા કે જેઓ અભ્યાસમાં તો ખૂબ તેજસ્વી હતા જ સાથે-સાથે રમતગમતમાં પણ અવ્વલ હતા અને રમત ગમતમાં અગણિત ઇનામોનું બહુમાન મેળવી પોતાના અનામે અંકિત કરેલ હતું, આવા તેજસ્વી અને ઓજસ્વી શક્તિસિંહ વિસાણા ગુજરાત વન સેવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે જોડાયા હતા.
૧૯૮૮ માં ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એ સમયે ગીર સહિત આસપાસના લોકોનો નિભાવ કરવા માટે સરકારે ગીરમાં રાહત કામગીરી ની શરૂઆત કરી હતી. આ રાહત કામમાં રોકાયેલા મજૂરોને રોજી ચૂકવવાની કામગીરી આર.એફ.ઓ સહિત ફરજ બજાવતા અને ગીરમાં આવેલા સિંહ સદન ગેસ્ટ હાઉસના મેનેજરની જવાબદારી સંભાળતા શક્તિસિંહ વિસાણાના શિરે હતી. માનવીય અભિગમ અને માયાળુ સ્વભાવ ધરાવતા શ્રી શક્તિસિંહે ખુબ લોક ચાહના ઊભી કરી હતી. આ સમયગાળા દરમિયાન ગીરમાં એક બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડને ગેરકાયદેસર રીતે લાકડું કાપતા ઈસમો નજરે પડતા તે ઈસમો દ્વારા ફરજ પરના ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવેલ. જેમાં ફોરેસ્ટ ગાર્ડ દ્વારા સ્વબચાવમાં રાયફલમાંથી ફાયરિંગ થતાં એક ઇસમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ત્યાંના લોકોની વસ્તીમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોના ટોળે-ટોળા એકત્રિત થવા લાગ્યા હતા. બદલો લેવા માટે લોકો અધીરા બન્યા હતા અને સાસણ વન વિભાગ હસ્તકના ક્વાર્ટર માં વસવાટ કરતાં ફોરેસ્ટ ગાર્ડનના પરિવારને જાનથી મારી નાખવાના ઇરાદે આગળ વધ્યા હતા. ગીર ફોરેસ્ટ એરિયામાં બનેલી ફાયરિંગની ઘટનાને પગલે અશોકકુમાર શર્મા, નાયબ વન સંરક્ષકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાસણ ખાતે સ્થળ તપાસની કાર્યવાહી માટે સાસણ ખાતે ગયેલા હતા. જે દરમિયાન ટોળાંઓ દ્વારા શ્રી અશોકકુમાર શર્મા ભા.વ.સે. ઉપર હુમલો થવાની જાણ થતાં આર. એફ.ઓ શ્રીશક્તિસિંહ સામતસિંહ વિસાણા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોતાની ફરજ કે જવાબદારી ન હોવા છતાં પોતે સહ કર્મચારીઓ મુશ્કેલીમાં હોય ઘટનાસ્થળ પર દોડી ગયેલા હતા. ટોળું હત્યાનો બદલો લેવા અધિરુ બન્યું હોય એમ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. શર્મા સહિતના અધિકારીઓ જેવા ઘટના સ્થળે પહોંચતા ની સાથે જ લોકોએ હથિયારો સાથે ટોળામાં હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. શક્તિસિંહ વિસાણા જેવા ઘટના સ્થળે પહોંચ્યા એ જ સમયે હાથમાં છરી સાથે દોડી આવેલા એક ઇસમે અઘિકારી પર હુમલો કરીને ઘાયલ કરી દીધા. શક્તિસિંહ આ ઘટના નિહાળતા ની સાથે અઘિકારીને બચાવવા દોટ મૂકી હતી ને આડે પડીને બચાવ કરતા એક વ્યક્તિના હાથેથી લાગેલો ચાકુનો જીવલેણ ઘા સીધો જ શક્તિસિંહ વિસાણાની છાતીમાં લાગતા ત્યાં જ ઢળી પડ્યા હતા. જે કામદારોને દુષ્કાળના સમયે ચાલી રહેલી રાહત કામદારીમાં રોજગારી ચૂકવતા હતા એ જ શક્તિસિંહને પોતાના હાથે ઘાયલ થયેલા જોઈને તે લોકો પણ હદપ્રભ બની ગયા હતા અને તેઓ એ સારવાર માટે વાહનમાં બેસાડ્યા હતા. કારણકે મજૂરોમાં શક્તિસિંહ ખૂબ લોકપ્રિય હતા. હુમલામાં ઘાયલ થયેલા ફોરેસ્ટ અધિકારી શ્રી શર્માનો સદનશીભે સારવાર મળતા બચાવ થયો હતો. પરંતુ શક્તિસિંહ વિસાણાને છાતિના ભાગે ચાકુનો ઘા લાગેલો હતો તેમનો કમનસીબે બચાવ ન થતા શક્તિસિંહ શહાદત વહોરી હતી.
અમર શહીદ શ્રી શક્તિસિંહ સામતસિંહ વિસાણાની શહાદતની યાદમાં ગીર પરિવાર દ્વારા અમર શહીદ શક્તિસિંહ વિસાણાની સ્મૃતિમાં રચાયેલું વિસાણા મેમોરિયલ ફાઉન્ડેશનની સન ૧૯૬૦ માં રચના કરવામાં આવેલ છે. જે હાલ સાસણ ગીર ખાતે કાર્યરત છે. તેમજ સમગ્ર દેશમાં સીમાચીનહ રૂપ છે. આ શહાદતને ધ્યાને લઈ વન વિભાગ તથા ભારત સરકાર દ્વારા અમર શહીદ શ્રી શક્તિસિંહ વિસાણાને સન ૧૯૮૯ ના વર્ષે મરણોપરાંત વન સેવા ચંદ્રક તથા કીર્તિચક્ર એનાયત કરવામાં આવેલ છે.
શહીદ શ્રી શક્તિ શ્રી શક્તિસિંહ વિસાણાના મૃત્યુ બાદ તેમના પરિવારની આજીવિકા માટે સરકારશ્રીના જે તે સમયના ઠરાવની જોગવાઈ મુજબ તેમના ધર્મપત્ની શ્રીમતી નયનાબેન શક્તિસિંહ વિસાણા ને ગુજરાત વન વિભાગમાં વહીવટી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તેમજ તેણીએ તેઓના કાર્યકાળ દરમિયાન વન વિભાગમાં ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. આવતી કાલે તા.૩૦-૦૬-૨૦૨૪ના રોજ તેઓ વય નિવૃત્તિ થતા હોય વન વિભાગના ગીર પરિવાર દ્વારા તેઓનો સત્કાર કાર્યક્રમ અમરશહીદ શ્રી શક્તિસિંહ વિસાણાની બહાદુરીને હૃદયપૂર્વક યાદ કરીને નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.તેમજ તમામ ગીર પરિવાર દ્વારા શ્રીમતી નયનાબેન વિશાળાનું નિવૃત જીવન સુખ સભર અને નિરામય નિવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.