AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારામાં ચોમાસાએ સર્જેલી તારાજી બાદ નોટિફાઈડની બેદરકારીથી પ્રવાસીઓ પરેશાન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાએ સર્જેલી ભારે તારાજી અને ત્યારબાદ નોટિફાઇડ કચેરી તથા જિલ્લા કલેક્ટર તંત્રનાં અણઘડ વહીવટની પોલ ખુલ્લી પડી ગઈ છે.પ્રવાસીઓને આકર્ષતા આ સ્થળના મુખ્ય જાહેર માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓ, તૂટેલી ફૂટપાથો અને જર્જરિત રેલિંગની અવદશા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ પેદા કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતના આ પ્રિય ગિરિમથક સાપુતારાનો વહીવટ દિન-પ્રતિદિન કથળી રહ્યો છે.ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે સાપુતારાના આંતરિક માર્ગો સહિત મુખ્ય માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે.ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયુ છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે.માર્ગોની બાજુમાં આવેલી ફૂટપાથો પણ તૂટીને જર્જરિત બની ગઈ છે, જ્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે માર્ગોને અડીને સ્થાપિત કરવામાં આવેલા સંરક્ષણ એંગલ (રેલિંગ) પણ ઠેર-ઠેરથી તૂટી ગયેલ જોવા મળે છે. ખાસ કરીને સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જૈન મંદિર તરફ જતા માર્ગોની સ્થિતિ તો વધુ દયનીય છે. તંત્રની આ બેદરકારીને પગલે સાપુતારા પ્રવાસી ધામ નહીં પણ દુર્દશાનું સ્થળ બની રહ્યું છે.સાપુતારા નોટિફાઇડ તંત્ર દ્વારા પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ફી, બોટિંગ ચાર્જ અને ટોલ ટેક્સ સહિતની વિવિધ ફી પેટે કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવે છે. જોકે, આટલી માતબર આવક છતાં વિકાસની કામગીરી અને માળખાકીય સુવિધાઓની જાળવણી પ્રત્યે તંત્રનું વલણ અત્યંત ઉદાસીન જોવા મળી રહ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર સાપુતારાને પ્રવાસી ધામ નહીં, પરંતુ “પૈસા છાપવાનું મશીન” સમજીને વિકાસની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યુ છે. હાલમાં, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી કહેરથી નુકસાન પામેલા માર્ગોની મરામતનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ સાપુતારાના માર્ગોની તત્કાલ મરામત કે જાળવણી અંગે નોટિફાઇડ તંત્ર દ્વારા કોઈ ખાસ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આગામી દિવસોમાં દિવાળી વેકેશન શરૂ થવાનું છે, જેના માટે સાપુતારાની હોટલોમાં અત્યારથી જ એડવાન્સ બુકિંગ માટેની ટેલિફોનિક ઈન્કવાયરીઓ શરૂ થઈ ગઈ છે. હજારો પ્રવાસીઓ વેકેશન ગાળવા સાપુતારાની મુલાકાત લેશે, ત્યારે માર્ગોની આ જર્જરિત હાલત પ્રવાસીઓ માટે ગંભીર હાલાકી પેદા કરી શકે છે અને સાપુતારાની છબીને પણ નુકસાન પહોંચાડી શકે છે.સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ સહિત પ્રવાસીઓમાં પણ તંત્રની આ બેદરકારીને લઈને રોષની લાગણી ફેલાયેલી છે. તેમણે તાત્કાલિક ધોરણે સાપુતારાના માર્ગો, ફૂટપાથ અને સુરક્ષા રેલિંગના સમારકામની કામગીરી હાથ ધરવા ડાંગ કલેક્ટર તંત્ર સમક્ષ માંગ કરી છે, જેથી વેકેશન દરમિયાન પ્રવાસીઓને પડનારી મુશ્કેલીઓ નિવારી શકાય તેમ છે..

Back to top button
error: Content is protected !!