
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.હવામાનમાં પ્રસરેલી ફૂલ ગુલાબી ઠંડી અને ચારે બાજુ પથરાયેલા કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ જિલ્લાના આ રમણીય સ્થળે પહોંચ્યા હતા.સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી સવાર અને સાંજના સમયે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ ખુશનુમા વાતાવરણ પ્રવાસીઓને વિશેષ આકર્ષી રહ્યું છે. ડાંગના ગાઢ જંગલો અને ઊંચા પહાડોની વચ્ચે આવેલું સાપુતારા ધુમ્મસની ચાદર ઓઢી લેતું હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. રજાઓના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે અહીંની શાંતિ અને પ્રકૃતિની ગોદમાં સમય વિતાવવા આવ્યા હતા, જેના કારણે તમામ પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી હતી.પ્રકૃતિના સાનિધ્યની સાથે સાથે પ્રવાસીઓએ અહીંની વિવિધ મનોરંજક અને સાહસિક પ્રવૃત્તિઓનો પણ ભરપૂર લાભ લીધો હતો.સાપુતારા લેક ખાતે બોટિંગની મજા માણવા માટે લાંબી કતારો જોવા મળી હતી.ઊંચાણવાળા પોઈન્ટ્સ પરથી પહાડી વિસ્તારના વિહંગમ દ્રશ્યો જોવા માટે યુવાનો અને સાહસપ્રેમી પ્રવાસીઓમાં પેરાગ્લાયડીંગનું ભારે આકર્ષણ હતું.અન્ય એડવેન્ચર એક્ટિવિટીઝ, જેમ કે ઝિપ લાઇન અને રોપ ક્લાઇમ્બિંગમાં પણ સારો એવો ધસારો જોવા મળ્યો હતો.બાળકો અને પરિવારો માટે ઊંટ સવારી અને ઘોડેસવારી પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.શનિ-રવિની રજાઓમાં સાપુતારાની હોટલો, રિસોર્ટ્સ અને ગેસ્ટ હાઉસિસ લગભગ હાઉસફુલ જોવા મળ્યા હતા. પ્રવાસીઓની આ ભીડને કારણે સ્થાનિક વેપારીઓના ધંધામાં પણ તેજી જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્ર માટે આ એક સકારાત્મક સંકેત છે..





