વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. 4 ઓગસ્ટ : તાજેતરમાં, ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગિની ભારતીદીદીજીની પ્રેરણાથી મુન્દ્રામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અલૌકિક રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભુજ કેન્દ્રથી ખાસ પધારેલા બ્રહ્માકુમારી રક્ષાદીદીએ રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્ય પર પ્રકાશ પાડ્યો હતો.
રક્ષાદીદીએ સાંસારિક જીવનમાં પ્રેમ અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીને કેવી રીતે સુખી રહી શકાય તેની સમજણ આપી હતી. તેમણે પાંચ વિકારો (કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર)ને ઈશ્વરને સમર્પિત કરીને આત્માને બોજમુક્ત બનાવવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.
સામાન્ય રીતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વ નિમિત્તે, રક્ષા દીદીએ વર્તમાન તણાવગ્રસ્ત સમયમાં પરમ પિતા પરમાત્માના તમામ સંતાનોને નવી પ્રેરણા અને પ્રકાશ મળે તેવી શુભ ભાવના સાથે રાખડી બાંધી હતી. તેમણે સૌને અલૌકિક સૂત્ર અને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કળિયુગમાં જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય છે, ત્યારે બહેનોએ મર્યાદામાં રહીને સ્વરક્ષક બનવાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો હતો.
કાર્યક્રમના અંતે, મુન્દ્રા કેન્દ્રના સુશીલાદીદીએ આભાર વ્યક્ત કરતા પોલીસ, આરોગ્ય વિભાગ, બેંક, એસ.ટી., શાળાઓ-કોલેજો જેવી સંસ્થાઓ અને વિવિધ કંપનીઓમાં રાખડી બાંધીને વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવી આધ્યાત્મિક રક્ષા પ્રદાન કરવાની શુભ ભાવના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કર સહિત અન્ય સહયોગીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.