
તારીખ: ૦૯-૦૪-૨૦૨૬
રિપોર્ટ: બિમલ માંકડ,પ્રતીક જોશી
ભુજ: સરહદી જિલ્લાના વડામથક ભુજમાં માનવતા અને સેવાના પર્યાય સમાન એક વૃદ્ધની ક્રૂર હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જરૂરતમંદોને રાહતદરે રાશન પૂરું પાડતી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની નાણાકીય વિવાદમાં ઉશ્કેરાયેલા એક અનાજ કરિયાણાના વેપારીએ મધરાત્રે તેમના જ નિવાસસ્થાને ઘાતકી હત્યા કરી નાખી છે.
લોહીના તરસ્યા વેપારીનો પાશવી હુમલો:
પ્રાપ્ત વિગતો અનુસાર, વાણિયાવાડની અષ્ટાપદ બિલ્ડિંગમાં એકાંત જીવન વ્યતીત કરતા ૭૧ વર્ષીય રશ્મિકુમાર કનકલાલ શાહ (ભુલાણી) સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકસેવાનું કાર્ય કરતા હતા. ગત રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં, જેની પાસેથી તેઓ રાશન ખરીદતા હતા તે દુકાનદાર નિલેશ હસમુખલાલ શાહ નાણાંની ઉઘરાણી માટે રશ્મિભાઈના ઘરે પહોંચ્યો હતો.તે દરમિયાન બંને વચ્ચે નાણાકીય લેતી-દેતી બાબતે તકરાર સર્જાઈ હતી જે અંતે લોહિયાળ પરિસ્થિતિમાં પરિણમી હતી.
આરોપીની કબૂલાત: “સાહેબ, મેં રશ્મિભાઈનું ખૂન કરી નાખ્યું છે.” – મધરાત્રે સવા બે વાગ્યે પોલીસ મથકે હાજર થઈ હત્યારાએ આ શબ્દો ઉચ્ચારતા ફરજ પરનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.
કરુણ હત્યાની પધ્ધતિ અને ક્રૂરતા
તપાસમાં ખુલાસો થયો છે કે આવેશમાં આવેલા નિલેશે પ્રથમ પાણીની મેટલની બોટલ વડે રશ્મિભાઈના માથા પર જીવલેણ પ્રહાર કર્યો હતો. વયોવૃદ્ધ રશ્મિભાઈ જમીન પર ફસડાઈ પડ્યા બાદ પણ હત્યારાનું મન ધરાયું ન હોય તેમ, તેણે ઘરમાં પડેલા ‘દસ્તા’ વડે તેમના માથાના ભાગે ઘા ઝીંકીને તેમને કાયમ માટે મોતની નીંદર સુવાડી દીધા હતા.
પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા બાદ આરોપી ચાર કલાક સુધી લાશ પાસે જ રહ્યો હતો અથવા પુરાવા સગેવગે કરવામાં વ્યસ્ત હતો. તેણે ઘરના CCTV કેમેરાનું DVR કાઢી લીધું હતું અને મૃતકનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ આ પુરાવા હમીરસર તળાવમાં ફેંકી દીધા હોવાની શંકા છે, જેને રીકવર કરવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ કબજે કર્યો હતો. મૃતકના નાના ભાઈ પંકજભાઈ શાહે નિલેશ શાહ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.તપાસના મુદ્દાઓ આગળ વધારતા હત્યા બાદના ચાર કલાક દરમિયાન આરોપી ક્યાં હતો અને DVR ફેંકવા પાછળનો તેનો ચોક્કસ આશય શું હતો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.
સેવાભાવી વૃદ્ધની આ રીતે થયેલી વિદાયથી જૈન સમાજ સહિત સમગ્ર ભુજ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક તરફ સેવાકીય પ્રવૃત્તિનો દીવો બુઝાયો છે, તો બીજી તરફ આર્થિક સંકડામણ કે લોભમાં માનવી કેટલો હિંસક બની શકે છે તેનું આ વરવું ઉદાહરણ પૂરું પડ્યું છે.



