Jetpur: અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે બે સર્જરી પછી જેતપુરના ગરીબ પરિવારનું બાળક સ્વસ્થ બન્યુંઃ પરિવારે માન્યો આર.બી.એસ.કે.નો આભાર

તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: હૃદયની જન્મજાત ખામી ધરાવતા જેતપુરના ગરીબ પરિવારના શિશુ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશીર્વાદ સમાન બન્યો છે. આ કાર્યક્રમ હેઠળ શિશુ મહાવીરની હૃદયની ખામી બે સર્જરી થકી દૂર કરવામાં આવી છે. આર.બી.એસ.કે.માં વિનામૂલ્યે સર્જરી થતાં જેતપુરના સામાન્ય પરિવારને મોટી રાહત થઈ છે.
જેતપુરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રભાઈ સરમાળીના ઘરે ૧૮મી નવેમ્બર ૨૦૨૨ના રોજ બાળકનો જન્મ થયો હતો. માતા-પિતાએ હોંશથી તેનું મહાવીર નામ રાખ્યું હતું. તેના સ્વાસ્થ્યનું સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી હોવાનું નિદાન થયું હતું. આથી તેને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવા જણાવાયું હતું.
આ સાંભળી મહાવીરના માતા-પિતા દુઃખી થઈ ગયા હતા. એક તો અજાણ્યું શહેર અને ઉપરથી સારવારનો ખર્ચો આવશે તેની ચિંતામાં તેઓ પડી ગયા હતા. પણ રાજકોટ આર.બી.એસ.કે.ની ટીમના ડૉ. નીતીન કરેડ, ફાર્માસિસ્ટ ભૂમિ ધાનાણી અને સિવિલ હોસ્પિટલના ડૉકટરોની ટીમે આ દંપતીને શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે સમજ આપી હતી અને સારવારનો તમામ ખર્ચ આર.બી.એસ.કે. હેઠળ થશે તેવી ખાતરી આપી હતી. આ સાંભળીને મહાવીરના માતા-પિતાને હાશકારો થયો અને સારવાર લેવા સંમત થયા હતા.
એ પછી મહાવીરને તા.૨૬ નવેમ્બરે યુ. એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે સંદર્ભ કાર્ડ ભરીને રીફર કરવામાં આવ્યો. જ્યાં નિષ્ણાંત તબીબોએ તેને હૃદયની તકલીફ હોવાનું નિદાન કર્યું અને ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ નિષ્ણાંત ડોકટરોની ટીમે સર્જરી કરીને સાત ડિસેમ્બરે તેને રજા આપી હતી.
એ પછી ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મહાવીરને યુ. એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો અને ૮ ફેબ્રુઆરીએ બીજી સર્જરી કરીને મહાવીરની હૃદયની ખામી દૂર કરવામાં આવી. હાલ તેનું આરોગ્ય સારું છે અને તે પોતાની આગળની જિંદગી સરળતાથી જીવી શકશે. આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા તેના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ફોલોઅપ લેવામાં આવે છે.
હાલ મહાવીર એકદમ સ્વસ્થ છે અને તેના માતા-પિતાએ આર.બી.એસ.કે. ટીમ, યુ.એન. મહેતા હોસ્પિટલ તેમજ ગુજરાત સરકારનો આભાર પ્રકટ કર્યો હતો.
રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે.નો લાભ જરૂરિયાત ધરાવતાં તમામ બાળકોને મળે તે માટે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. આર.આર.ફુલમાલીના માર્ગદર્શનમાં સમયાંતરે મુલ્યાંકન કરીને સઘન રીતે કામગીરી કરવામાં આવી રહી છે.




