આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક કૃષિ” વિષયક તાલીમ યોજાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક કૃષિ” વિષયક તાલીમ યોજાઇ
તાહિર મેમણ : આણંદ – 19/08/2024- આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એગ્રોનોમી વિભાગ દ્વારા ખેડૂતો માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેનો ઉદ્દ્ઘાટન સમારોહ એગ્રોનોમી વિભાગના વડાશ્રી ડૉ.વી.જે.પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, ઘટકો અને જંતુનાશક શસ્ત્રોના મહત્વ વિશે ખેડૂતોને સમજણ આપી તેના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખેડૂતોને જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક અને આચ્છાદન વગેરેની પ્રાયોગીક તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
તાલીમમાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને ખેડૂતો રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકે તે રીતે નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ અને તેના સમાધાન/ઉકેલ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
તાલીમાર્થી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તે હેતુથી આણંદની આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો જેમાં બોરીયાવીના દેવેશભાઈ પટેલ, ગીરી ફાર્મ, નરસંડાના ઉમેશગીરી ગોસ્વામીના ખેતરોની તથા એગ્રોનોમી વિભાગ દ્વારા ફાર્મ ઉપર લેવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના સંશોધન પ્રયોગોની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.
સંજીવની ફાર્મના અરૂણભાઈ શાહે પોતાના પ્રાકૃતિક ફાર્મની માહિતી આપી ખેડૂતોને પોતાના અનુભવો રજુ કર્યા હતા અને તાલીમના અંતે ખેડૂતોને પ્રમાણપત્ર અને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.તાલીમાર્થી ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમના અંતે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં તાલીમ સંયોજક ડૉ.પી.એમ.પટેલ, ડૉ.એ.પી.પટેલ, ડૉ.જી.એન.મોટકા અને ડૉ.એમ.એચ.ચાવડા સહિત વડનગર જિલ્લાના કુલ ૩૮ જેટલાં ખેડૂતોએ ભાગ લીધો હતો.




