અમદાવાદ જિલ્લા મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ માટે ટાગોર હૉલ ખાતે તાલીમ યોજાઈ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા આરએસી ભાવિન સાગરની પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે જમીન અને મહેસૂલનો વહીવટ, મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક્કપત્રક, ઈ-ધરા, ઈ-સરકાર જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી. અમદાવાદના ટાગોર હૉલ ખાતે બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
તાલીમ અધિકારીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ અને આવડતને પારખવાનું કામ કરે છે અને અધિકારીઓ માટે તે એક ‘ટ્રિગરિંગ સેશન’નું કામ કરે છે: કલેક્ટર પ્રવીણા ડી.કે.
અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે.એ તાલીમના સહભાગીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાઈ ગયેલી ચિંતન શિબિરમાં તાલીમની જરૂરિયાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં તમામ લેવલની તાલીમનું આયોજન કરવામાં આવે છે. વધુમાં કલેક્ટરએ ઉમેર્યું હતું કે, સરકારની ઈમેજ સરકારમાં રહેલા અધિકારીઓ દ્વારા બને છે. જિલ્લાની કલેકટર કચેરી, પ્રાંત કચેરી, અને મામલતદારની કચેરી દ્વારા સરકારની સારી ઈમેજ ઊભી કરવાનું કામ થાય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મહેસૂલ વિભાગના તજ્જ્ઞો દ્વારા આજથી શરૂ થયેલ આ બે દિવસીય તાલીમમાં અધિકારીઓ/કર્મચારીઓને જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ, જમીનના વહીવટ અંગેના કાયદા અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક્કપત્રક (રેકર્ડ ઓફ રાઈટ) અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારી, મહેસૂલી કેસો, તકરારી, અપીલ, રીવીજન, કાર્યપદ્ધતિ, સરકારી/ ગૌચર /સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી, ખાતેદારો, નાગરિકો દ્વારા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના ભંગના/શરતભંગના કેસો, સર્વે અને માપણી વિભાગની કામગીરી, સીટી સર્વે કચેરીઓની કામગીરી, ઈ-સરકાર, ગુજરાતનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, 1948 તથા અન્ય સુધારા, ઈ-ધરા, IRCMS, IORA અને અન્ય પોર્ટલ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી વાય. પી. ઠક્કર, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેકટરઓ સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા.







