BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં ચાલતી કારમાં આગ લાગી:સુરતી હાંડી હોટલ પાસે કારની બેટરીમાં સ્પાર્કથી આગ લાગતા અફરાતફરી મચી, કાર બળીને ખાખ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં ગરમીના દિવસોમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. શનિવારે રાત્રે મનુબર ચોકડી નજીક સુરતી હાંડી હોટલ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી.
કારમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરીને તરત જ રોડની સાઇડમાં કારને ઊભી રાખી દીધી હતી. આથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસમાં કારની બેટરીમાં થયેલા સ્પાર્કથી આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ પોતાના વાહનો દૂર હટાવ્યા હતા. આ દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ફાઈટર્સની ત્વરિત કામગીરીથી આગને વધુ ફેલાતા અટકાવી દેવાઈ હતી. થોડા સમયમાં જ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, કારને ભારે નુકસાન થયું છે. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ ચાલુ છે. આ ઘટનાએ વાહન માલિકોને નિયમિત સર્વિસિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચકાસણી કરાવવાની યાદ અપાવી છે.

Back to top button
error: Content is protected !!