AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં યોજાનાર જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીને લઈ આદિવાસી સમાજનાં આગેવાનો વિરોધ નોંધાવતા અનેક તર્ક વિતર્ક..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં 15 મી નવેમ્બરનાં રોજ રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે  આદિવાસીઓ પ્રત્યે મુખ્યમંત્રીને ખરેખર ગૌરવ હોય તો પહેલા ડાંગનાં આદિવાસીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.15મી નવેમ્બરનાં રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવનાર છે.આ ઉજવણી કાર્યક્રમનુ આયોજન ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા કરવામા આવેલ  છે,જેમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન’ (પીએમ જનમત) અને ‘ધરતી આબા જનજાતિ ગ્રામ્ય અભિયાન’ હેઠળ જનજાતિ લાભાર્થીઓ સાથે વર્ચુઅલ સંવાદ પણ કરવામાં આવનાર છે.ત્યારે આ કાર્યક્રમને લઈને આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી હતી.જોકે આ આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવતા સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.આ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવામાં આવી રહી છે કે,”જો રાજ્યનાં મુખ્યમંત્રીને આદિવાસીઓ પ્રત્યે ખરેખર ગૌરવ હોય તો પહેલા ડાંગના આદિવાસીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા વાળા રાજભા ગઢવી પર કાયદેસરની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે. અને જો ન્યાય અપાવવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ માનશે કે આ માત્ર દેખાડો છે.”આ પ્રકારના લખાણ સોશિયલ મીડિયામાં ફરતા જોવા મળી રહ્યા છે.અત્યારે ડાંગ જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજવામાં આવનાર છે તે કાર્યક્રમનો વિરોધ નોંધાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.તેમજ આ મામલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મુકેશભાઈ પટેલ અને આઇટી સેલ પ્રમુખ મનીષ મારકણા  સહિત આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા પણ આ જ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં બેનર વાયરલ કરીને વિરોધ નોંધાવ્યો છે.તેવામાં 15મી નવેમ્બરનાં રોજ આ કાર્યક્રમ યોજાય તો આ કાર્યક્રમમાં આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવે તેની શક્યતા તીવ્ર બની છે.જોકે હવે આ મામલો આગળનો વળાંક કેવો રહેશે તે તો આવનાર દિવસોમાં જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!