ઘરેલુ હિંસાના કેસમાં બે મહિના સુધી કોઈ ધરપકડ નહીં, : સુપ્રીમ કોર્ટે

ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના બે વર્ષ જૂના દિશા નિર્દેશને અપનાવતા કહ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ નોંધાયેલા કેસોમાં પોલીસે બે મહિના સુધી આરોપીની ધરપકડ ન કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ મહિલા 498A હેઠળ તેના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અથવા દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવે ત્યારે પોલીસે તેના પતિ કે તેના સંબંધીઓની બે મહિના સુધી ધરપકડ ન કરવી જોઈએ. કોર્ટે બે મહિનાના સમયગાળાને શાંતિનો સમયગાળો ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે મહિલા IPS અધિકારી સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. કોર્ટે મહિલા અધિકારીને તેના અલગ થયેલા પતિ અને તેના સંબંધીઓના ઉત્પીડન બદલ સમાચાર પત્રોમાં માફીપત્ર જાહેર કરીને માફી માંગવાનો પણ આદેશ આપ્યો છે.
અલહાબાદ હાઈકોર્ટના 2022ના માર્ગદર્શિકા અનુસાર, બે મહિનાનો શાંતિ સમયગાળો પોલીસ અધિકારીઓને ધરપકડ સહિત કોઈપણ કાર્યવાહી કરવાથી રોકે છે. હાઈકોર્ટની માર્ગદર્શિકા અનુસાર, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A હેઠળ નોંધાયેલા કેસોને પહેલા સમાધાન માટે સંબંધિત જિલ્લાની પરિવાર કલ્યાણ સમિતિ (FWC) ને મોકલવા. અને આ સમયગાળા દરમિયાન પહેલા બે મહિના સુધી પોલીસ કોઈ દંડાત્મક કાર્યવાહી કરશે નહીં.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સમગ્ર ભારતમાં અલ્હાબાદ હાઈકોર્ટની આ માર્ગદર્શિકાના અમલીકરણનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “IPCની કલમ 498A ના દુરુપયોગને રોકવા માટે પરિવાર કલ્યાણ સમિતિઓની રચના” અંગે કલમ 32થી 38 હેઠળ ફોજદારી સુધારા નંબર 1126/2022 માં વાંધાજનક ચુકાદામાં 13 જૂન, 2022 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ઘડવામાં આવેલી માર્ગદર્શિકા અમલમાં રહેશે અને યોગ્ય અધિકારીઓ દ્વારા તેનો અમલ કરવો.”
જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ આ માર્ગદર્શિકા 2017 માં રાજેશ શર્મા અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્યના કેસમાં આપેલા ચુકાદા પર આધારિત છે. પરંતુ 2018માં સોશિયલ એક્શન ફોર હ્યુમન રાઈટ્સ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યો હતો. જો કે, ગઈકાલના નિર્ણયની સાથે અલ્હાબાદ હાઈકોર્ટની તે માર્ગદર્શિકા અમલમાં આવી ગઈ છે.



