આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના રોડ – રસ્તા, ઓરડા અને ગ્રામ પંચાયત ભવન બાંધકામના રૂ. ૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતી મંત્રીએ વિવિધ ગામોમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, માર્ગો, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાઓ જેવા આધારભૂત માળખાં ગામના સર્વાંગી વિકાસની મૂળભૂત કડી છે. સુવ્યવસ્થિત માર્ગવ્યવસ્થા થકી લોકોની આવનજાવન સરળ બનશે તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચ વધુ સુલભ થશે વધુમાં નવા પંચાયત ભવનના નિર્માણથી સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થા વધુ સક્રિય બનશે.મંત્રી નરેશ પટેલે વધુમાં જણાવ્યુંકે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં અગત્યની અને તાત્કાલિક સેવાઓ દરેક નાગરિક સુધી સમયસર પહોંચી શકે તે માટે માર્ગોના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે. આ તમામ વિકાસ કામો આવનારા સમયમાં ગામના આર્થિક અને સામાજિક વિકાસમાં પાયાની ભૂમિક નિભાવશે .
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામે ૨૪૩.૮૩ લાખ અને ચીખલી તાલુકાના મલીયાધરા ગામે ૯૦.૦૦ લાખ , સોલધરા ગામે ૧૧૩.૦૦ , બારરોલીયા ગામે ૧૦૫.૦૦ લાખ અને તલાવચોરા ગામે ૨૬૦.૦૦ લાખ મળી કુલ ૮૧૧.૮૩ લાખ ( ૮.૧૧ કરોડ )ના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત ) ચીખલી પેટા વિભાગની વિવિધ યોજના હેઠળ ખાતમુહર્ત થયા હતા. ખાતમુહૂર્ત થનાર વિકાસ કામોમાં મુખ્યત્વે રોડ નવા રોડ તથા રિસરફેસેનિગ કામો , પ્રાથમિક શાળામાં નવા ઓરડાના કામો, આંગણવાડી તથા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ જેવા વિવિધ વિકાસ કામોનો સમાવેશ થયેલા છે. કાર્યક્રમમાં ચીખલી તાલુકાના પ્રમુખ રાકેશ પટેલ , બાંધકામ સમિતિના અધ્યક્ષ બાલુભાઈ પાડવી , જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર કમલેશ એમ પટેલ , જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા ગામોના સરપંચઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




