
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આવનાર પેઢી માં ઉચ્ચ શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું એ આપણી સૌની જવાબદારી છે”- આદિજાતિ મંત્રી નરેશભાઇ પટેલ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામ ખાતે રાજ્યના આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રૂ.૧૪૦ લાખમાં નવનિર્મિત વિધાકુંજ પ્રાથમિક શાળા સંકુલ તથા સ્કુલ ઓફ એક્સેલેન્સ હેઠળ રૂ. ૭૦ લાખ મળી આશરે રૂપિયા ૨૧૦ લાખના ખર્ચે નવ નિર્મિત વિધાકૂંજ પ્રાથમિક શાળા મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકાર્પણ એ માત્ર ઇમારતોનું લોકાર્પણ નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ઇમારતનો શિલાન્યાસ છે. વધુમાં જણાવ્યું કે સરકારશ્રીના દ્રઢ સંકલ્પથી અહીં નવીન શાળા ભવનમાં તમામ માળખાકીય સુવિધાઓ સાથેનું એક ભવ્ય શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે.
સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે. હાલની પરિસ્થિતિ જોતા દરેક જગ્યાએ સ્પર્ધાઓ છે ત્યારે શાળાના વિદ્યાર્થી મહેનત કરીને આગળ વધે અને સ્પર્ધામાં ભાગ લે તે જરૂરી છે. મંત્રીશ્રીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, બાળકોને ખુબ જવાબદારી પૂર્વક ભણાવવું સાથે જ સારાં સંસ્કાર આપવા અને વાલીશ્રીઓએ શાળામાં તથી દરેક પ્રવૃતિની જાણકારી રાખવી તથા શીક્ષકોના સંપર્કમાં રહી પોતાના બાળકોના સંપૂર્ણ વિકાસનો પ્રયત્નો કરવો જોઈએ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક વિસ્તારોમાં સારૂ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે વાલીશ્રીઓએ પણ પોતાની જવાબદારી સમજી સહકાર આપવા જોઈએ . આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શાળા સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ પટેલ તેમજ સરપંચશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






