
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ અને અનુસૂચિત જાતિ વિભાગની બેઠક યોજાઈ
————-/—————/————
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના અહિંસા, સત્ય અને માનવતા ના વિચારોને સ્મરણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તેમના વિચારધારાને આત્મસાત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
શ્રદ્ધાંજલી કાર્યક્રમ બાદ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના આગેવાનો અને કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી તથા ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રભારી શંકર યાદવે જણાવ્યું કે અનુસૂચિત જાતિ સમાજના અધિકાર અને સન્માન માટે કોંગ્રેસ હંમેશા મજબૂતીથી લડી છે અને સંગઠનના માધ્યમથી દરેક કાર્યકરને સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠક દરમિયાન ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ હિતેન્દ્રભાઈ પીઠડીયા દ્વારા વિભાગના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે નવા હોદ્દેદારોની નિમણૂક દ્વારા અનુસૂચિત જાતિ વિભાગને તળિયા સુધી મજબૂત બનાવી સમાજના દરેક પ્રશ્નને સંગઠિત રીતે ઉકેલવાનો ઉદ્દેશ છે.
બેઠક દરમિયાન સામાજિક ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવા કોંગ્રેસ પક્ષની પ્રતિબદ્ધતા પુનઃદ્રઢ કરવામાં આવી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં સંગઠનને વધુ સક્રિય બનાવી સમાજના અંતિમ વ્યક્તિ સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન દશરથભાઈ વણકર, જિલ્લા કોંગ્રેસના આગેવાનો, અનુસૂચિત જાતિ વિભાગના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.





