AHAVADANGGUJARAT

ડાગ:સાકરપાતળના નંદીનાં ઉતારા’ બ્રિજના સમારકામમાં ભ્રષ્ટાચારનાં ગંધની બે જાગૃત નાગરિકોની કલેકટરને ફરીયાદ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં જાગૃત નાગરિકોમાં મોતીલાલભાઈ ચૌધરી અને જમનાદાસ વાડુએ કલેક્ટર સમક્ષ ખોલ્યો મોરચો,કરોડોના ખર્ચે થતા રિપેરીંગમાં ધૂળવાળી રેતીનો ઉપયોગ: પુરાવા નાશ કરવા નદીમાં રેતી ફેંકાવી હોવાનો આક્ષેપ:-જવાબદાર અધિકારીઓની મીલીભગત સામે ઉઠ્યા સવાલ..

ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અને વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત અંબિકા નદીના ‘નંદીનાં ઉતારા’ બ્રિજના સમારકામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે.જિલ્લાના બે જાગૃત નાગરિકોમાં મોતીલાલભાઈ ચૌધરી અને જમનાદાસ વાડુએ ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા રાજય માર્ગ અને મકાન વિભાગ ડાંગમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર,  ડાંગના બે જાગૃત નાગરિકો જ્યારે સાકરપાતળ ગામ નજીક અંબિકા નદી પર ચાલી રહેલા બ્રિજ રિપેરીંગના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના પાયાના મજબૂતીકરણ માટે જે રેતીનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે અત્યંત હલકી ગુણવત્તાની અને માટી (યુક્ત) મિશ્રિત હતી.જ્યારે નાગરિકોએ આ બાબતે સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરના સુપરવાઈઝર (S.O.) ને પ્રશ્ન કર્યો અને જવાબદાર ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવવા જણાવ્યુ, ત્યારે અધિકારીઓએ આવવાની તસ્દી લીધી ન હતી. આક્ષેપ છે કે, અધિકારીઓએ ફોન પર જ કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી હતી કે પુરાવા નાશ કરવા માટે તકલાદી રેતીને નદીમાં ફેંકી દેવી. નાગરિકોએ આ સમગ્ર ઘટનાના વિડિયો અને ફોટા પાડી લીધા હતા, જેમાં મજૂરો ઉતાવળે રેતી નદીમાં ફેંકી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે.અરજદારોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, “સરકાર જનતાના હિતમાં અને બ્રિજની ક્ષમતા વધારવા કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ જવાબદાર અધિકારીઓની આંખ નીચે કોન્ટ્રાક્ટરો આવું નબળું કામ કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે. જો આજે અમે આ પકડી પાડ્યું ન હોત, તો અત્યાર સુધી થયેલું તમામ કામ આવું જ હોઈ શકે તેવું કેમ ન માનવું?”તેમણે વધુમાં ઉમેર્યું કે, સાકરપાતળ ગ્રામ પંચાયતના સરપંચને પણ સ્થળ પર બોલાવી આ ધૂળવાળી રેતી બતાવવામાં આવી હતી, જેમણે પણ કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બ્રિજ જ્યારે ભારે વાહનોના ભાર નીચે વાઈબ્રેટ થશે ત્યારે આવા નબળા મટીરિયલને કારણે પાયા ગમે ત્યારે બેસી શકે છે અને મોટી હોનારત સર્જાઈ શકે છે.એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તો બીજી તરફ વહીવટી તંત્રએ બ્રિજની સુરક્ષાને ધ્યાને રાખી કડક નિર્ણય લીધો છે.જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા તાજા જાહેરનામા મુજબ નિષ્ણાતોના રિપોર્ટ અનુસાર ૧૯૫૯-૬૦માં બનેલો આ ૧૦૮ મીટર લાંબો મેજર બ્રિજ હાલ અત્યંત જર્જરિત અને જોખમી અવસ્થામાં છે.૨૫ ટનથી વધુ વજન ધરાવતા તમામ કોમર્શિયલ વાહનો માટે આ બ્રિજ વધુ એક માસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે જ્યાં સુધી ક્વોલિટી કંટ્રોલ વિભાગ આ કામની તટસ્થ તપાસ ન કરે અને રિપોર્ટ ફાઈનલ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું તમામ પેમેન્ટ અટકાવી દેવામાં આવે. સાથે જ, જે અધિકારીઓએ ફરજમાં બેદરકારી દાખવી છે અને કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે.ડાંગ જિલ્લામાં બનેલી આ ઘટનાએ સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોમાં રોષ જગાડ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ‘ઝીરો ટોલરન્સ’ની વાત કરતી સરકાર આ કિસ્સામાં કેવા દાખલા બેસાડતા પગલાં લે છે.આ બાબતે ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણાએ જણાવ્યુ હતુ સાકરપાતળ બ્રિજ રીપેર માટે ઇજારદાર દ્વારા ખરાબ રેતી ઉતારવામાં આવી છે.જેની જાણ જાગૃત નાગરિકોએ મને કરી હતી.આ જાણ થતા જ મે તુરંત જ ઇજારાદારને રેતી દૂર કરવાની સૂચનાઓ આપી હતી.અને ખરાબ મટીરીયલ ચલાવી લેવામાં આવશે નહી.તથા બ્રિજ જેવા સંવેદનશીલ સ્ટ્રક્ચર બાબતે બેદરકારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!