નવસારી કૃષિ યુનિવર્સિટીનાં બે કેવિકેને ભુજ ખાતે એવોર્ડથી સન્માનિત કરાયા

વાત્સલ્યમ સમાચાર
નવસારી
*કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની વર્ષ ૨૦૨૪માં થયેલ કામગીરીનાં મૂલ્યાંકન માટેના આઠમાં એન્યુઅલ ઝોનલ વર્કશોપમાં નવસારી અને વ્યારા કેવીકેની કામગીરીને પ્રોત્સાહિત કરાયા*
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી હેઠળ કાર્યરત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવસારી, તાપી, ડાંગ, સુરત અને નર્મદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પોતાનાં કાર્ય વિસ્તાર/જિલ્લામાં અદ્યતન કૃષિ તાંત્રિકીઓનાં પ્રચાર-પ્રસાર અને અમલીકરણ માટે ઉત્તમ કામગીરી કરી રહ્યાં છે. ICAR-ATARI, Pune Zone-VIII માં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાનાં કુલ-૯૧ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ત્રણેય રાજયોનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની વર્ષ ૨૦૨૪માં થયેલ કામગીરીનાં મૂલ્યાંકન માટેનો ત્રણ દિવસીય આઠમો એન્યુઅલ ઝોનલ વર્કશોપ ભુજ, ગુજરાત (તા.૨૧-૨૩/૦૭/૨૦૨૫ દરમ્યાન) ખાતે યોજાયો હતો.
આ વર્કશોપમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ર્ડા.હેમંત શર્માનાં માર્ગદર્શનથી ઉત્તમ કામગીરી કરી રહેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીએ વર્ષ ૨૦૨૪માં આખા વર્ષ દરમ્યાન ખેડૂત સમાજ માટે કરવામાં આવેલી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ, નિદર્શન, ક્ષેત્રિય અખતરાઓનાં અમલીકરણમાં મેળવેલ સિધ્ધીઓનું PPT પ્રેઝન્ટેશન કરેલ હતું.
વર્કશોપનાં અંતિમ દિવસે પૂણે, અટારી ડાયરેક્ટર ડૉ. એસ.કે.રોયે આ બંને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સરાહનીય પ્રવૃતિઓને બિરદાવી નવસારી કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સુમિત આર.સાળુંખે, અને વ્યારા અને કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડયા બન્નેને બેસ્ટ પ્રેઝન્ટેશનનાં એવોર્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં. નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રીએ બંને કેવિકેનાં વડાઓને અભિનંદન પાઠવી આવનાર સમયમાં વધુ ઉત્તમ સિધ્ધિઓ હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.




