નવસારી: ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા ગણદેવી ખાતે યોજાયેલી બે દિવસીય “સંવાદ બેઠક” પૂર્ણ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને પડતા પડકારો અંગે વિચારવિમર્શ, ઉત્પાદન અને સંચાલન સુધારવા માટે ” સંવાદ બેઠક” માં મહત્વનું માર્ગદર્શન…
ગણદેવી ખાતે દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓને વધુ સક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવા માટે બે દિવસીય “સંવાદ બેઠક” યોજાઈ હતી, જે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ બેઠક ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ખાંડ નિયામકશ્રી સુનીલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ગણદેવી ખાંડ સહકારી મંડળી ખાતે યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીના પાકનું વાવેતર થાય છે અને આ શેરડીને સુગર ફેક્ટરીઓ દ્વારા ખાંડમાં રૂપાંતર કરવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ખેતી વિસ્તારના પરિવર્તન, શેરડીના પાકના વાવેતરમાં થયેલા ઘટાડા તેમજ અન્ય પરિબળોના કારણે સુગર ફેક્ટરીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સંચાલન, ઉત્પાદન ક્ષમતા અને શેરડી સપ્લાય સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓના મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એકાઉન્ટન્ટ તેમજ સંબંધિત જિલ્લાઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શેરડીના વાવેતરને પ્રોત્સાહન આપવાના ઉપાયો, સુગર ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટેના પ્રયાસો તથા સહકારી મંડળીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ખાંડ નિયામકશ્રી સુનીલ ચૌધરીએ બેઠક સંદર્ભે જણાવ્યું હતું કે વિવિધ પ્રતિનિધિઓ અને જિલ્લા સ્તરના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવાથી સમસ્યાઓનું સ્પષ્ટ નિદાન થઈ શકે છે તેમજ વ્યવહારૂ ઉકેલ શોધવામાં સરળતા રહે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવા રચનાત્મક સંવાદ અને ચર્ચાઓ દ્વારા સહકારી ખાંડ ઉદ્યોગને મજબૂત બનાવવાના માર્ગ પર ચોક્કસ અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. આ પ્રસંગે નવસારી, સુરત, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લાની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ સહિત પાંડવાઈ સુગર, આરોવર સુગર, ગણેશ સુગર, નર્મદા સુગર, વડોદરા સુગર, કાગરેજ સુગર, ગાયત્રી સુગર, બારડોલી સુગર, ચલથાણ સુગર, સાયણ સુગર, મઢી સુગર, ગણદેવી સુગર તથા કોપર સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એકાઉન્ટન્ટ હાજર રહ્યા હતા.





