શહેરાની વલ્લભનગર સોસાયટીમાં આવેલ બે મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરી તસ્કરો થયા પલાયન

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં આવેલ બે મકાનોને ગત મોડીરાત્રિ એ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને બન્ને મકાનોમાં ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા,આ મકાન માલિકો રાત્રે ગરબા રમવા ગયા હતા તે સમય દરમ્યાન તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.બનાવની જાણ બંને મકાન માલિકને થતાં તાત્કાલિક નવરાત્રિના ગરબાની મોજ છોડીને પોતાના ઘરે દોડી ગયા હતા અને ઘરમાં તપાસ કરતા બંને મકાનોમાંથી અંદાજિત સોના-ચાંદીના દાગીના અને રોકડરકમ સહિત અઢી લાખ ઉપરાંતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયાનું સામે આવ્યું હતું,તો બન્ને મકાનોને નિશાન બનાવ્યા બાદ તસ્કરોએ ત્રીજા એક મકાનને પણ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ મકાન માલિક જાગી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહેતા તસ્કરો ભાગી છુટ્યા હતા.સમગ્ર બાબતની મકાન માલિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી.







