આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને યાદ કર્યા

આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને યાદ કર્યા
તાહિર મેમણ – આણંદ 30-01-2025 -આજે 30 જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે આણંદ જિલ્લામાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આણંદ જિલ્લા કલેક્ટર કચેરી અને આણંદ મહાનગરપાલિકા સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ સાથે તેમણે શહીદોના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે અને તેમના બલિદાનને નમન કરવામાં આવે છે. આ વર્ષે પણ આણંદ જિલ્લામાં શહીદોના સન્માનમાં ગરિમાપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.




