
રાજપારડી ગામે ઘર નજીક લટકતો વીજ વાયર અડી જતા ૫૦ વર્ષીય ઇસમનું વીજ કરંટથી ઘટના સ્થળે મોત
વીજ કરંટ લાગેલ ઇસમને બચાવવા દોડી આવેલ તેમના પત્ની અને પુત્રને પણ વીજ કરંટ લાગ્યો



ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ઘરની બહાર લટકતા વીજ વાયરથી કરંટ લાગતા એક ઇસમનું મોત નીપજ્યું હતું,જ્યારે મૃતકના પત્ની અને પુત્રને પણ વીજ કરંટ લાગ્યો હતો. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના જીએમડીસી રોડ પર રહેતા ૫૦ વર્ષીય મહેન્દ્રભાઇ રતિલાલ વસાવા ગતરોજ તા.૩૦ મીના રોજ સાંજે મજુરી કામેથી ઘરે પરત આવ્યા હતા,તે દરમિયાન ઘરની આગળ એક લટકતા વીજ વાયરને અડી જતા તેઓ જમીન પર પડી ગયા હતા. આ જોઇને તેમના પત્ની શનુબેન અને પુત્ર સુનિલ ઘરની બહાર દોડી આવ્યા હતા. બહાર વીજ વાયરને અડી જતા મહેન્દ્રભાઇ વાયર સાથે જમીન પર પડેલ હોવાનું જણાતા શનુબેન અને તેમનો પુત્ર સુનિલ તેમને બચાવવા જતા બન્ને માતા પુત્રને પણ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા મહેન્દ્રભાઇનું સ્થળ ઉપરજ કરૂણ મોત નીપજ્યું હતું,જ્યારે તેમને બચાવવા દોડી આવેલ તેમના પત્ની શનુબેન અને પુત્ર સુનિલને પણ વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયેલ સુનિલને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો,ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે મૃતકના પત્ની શનુબેન મહેન્દ્રભાઇ વસાવા રહે.જીએમડીસી રોડ,રાજપારડી,તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસ મથકે જાણ કરી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી




