
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
શિક્ષક દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળાઓમાં ખાસ કરીને વિશેષ કામગીરી કરતા વિવિધ જિલ્લાના શિક્ષકો સાથે પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. શિક્ષકોનું મુખ્યમંત્રી એ સન્માન કર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાના બે શિક્ષકોને તક મળી હતી.
કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે આ બંને શિક્ષકોને સાલ ઓઢાડીને અભિનંદન પાઠવી અન્ય આશા વ્યક્ત કરી હતી કે તેમની આ સિદ્ધિ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેએ પણ બંને શિક્ષકોના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા જ પ્રેરણાદાયક કાર્યો કરવા બદલ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે બંને અધિકારીઓએ શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે, ઉપસ્થિત શિક્ષકો સાથે જિલ્લા સમાહર્તાએ પ્રેરણાત્મક સંવાદ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
અનિતાબેન વસાવા, નેત્રંગ તાલુકાની કુમાર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમણે બાળકોમાં મૂલ્ય શિક્ષણ વધારવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બાળકોમાં પર્યાવરણ પ્રેમ, સ્વચ્છતા અને સારા સંસ્કારોનું સિંચન વગેરે આ અનોખી ઉજવણીથી બાળકોમાં પર્યાવરણ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના પણ કેળવાય છે.
આ પ્રયોગ અંતર્ગત, શાળામાં બાળકો કે શિક્ષકોના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે જન્મદિવસ પર ચોકલેટ વહેંચવામાં આવે છે, પરંતુ આ શાળામાં તેની જગ્યાએ જન્મદિવસની ઉજવણી કરવા શાળામાં છોડ વાવવા, સ્વચ્છતા જાળવવા મદદરૂપ બનવાની અને પક્ષીઓ માટે અક્ષયપાત્રમાં ચણ નાખવા, જીવનમાં સારી ટેવોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવી જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
આ ઉપરાંત, નેત્રંગ તાલુકાની કન્યા શાળાના શિક્ષક પટેલ પિયુષ જેમણે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેમજ બાળકોને ઈતર પ્રવૃત્તિ અને અન્ય વ્યવહારો શિક્ષણ મળે તે માટે શાળાના વિકાસ માટેની પ્રવૃત્તિઓ ટીમ વર્કથી કરવી જેવી કામગીરી બદલ તેમની આ કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી હતી. શાળા શિક્ષણની ગુણવત્તા, નવીન પ્રવૃત્તિઓ અને ઉત્તમ પરિણામોના કારણે શિક્ષણનું એક શ્રેષ્ઠ મોડેલ બની રહી છે.
આ શાળામાં અનેક સુંદર પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. આ પ્રવૃત્તિઓમાં સ્વચ્છ વિધાલય સમિતિ, બાલ સભા, યૂથ એન્ડ ઇકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, પ્લાસ્ટિક ફ્રી શાળા અને સક્ષમ શાળા જેવી પહેલનો સમાવેશ થાય છે.અને વર્ષ ૨૦૧૭-૧૮માં શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છતા એવોર્ડ મળ્યો હતો. ગુણોત્સવમાં સતત ચાર વર્ષથી A+ ગ્રેડ મેળવીને શાળાએ તાલુકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
અંતે, મુખ્યમંત્રીએ તેમને સન્માનિત કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી તેમના ઉત્સાહમાં વધારો થયો છે તેમ પ્ર
તિભાવ આપ્યો હતો.



