ડાંગ દરબારનાં મેળામાં ભૂલી પડેલ બે કિશોરીઓને 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો..
MADAN VAISHNAVMarch 13, 2025Last Updated: March 13, 2025
1 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ દરબારના મેળામાં કિશોરીઓ ભૂલી પડી ગઈ હતી. અને રાત્રિના બે વાગ્યા સુધી બંને કિશોરીઓ રઝડપાટ કરતી જોવા મળી હતી.જે બાદ 181 અભયમ ટીમ દ્વારા આ બંને કિશોરીઓની મદદ કરવામાં આવી હતી.અને તેમના પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવવામાં આવ્યો હતો. બુધવારે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા અભયમ પર કોલ કરવામાં આવ્યો હતો અને બે કિશોરી મળી આવેલ હોય જેની મદદ કરવા જણાવેલ હતું. આ કોલ આવતા 181 અભયમ ટીમના કાઉન્સેલર નેહા મકવાણા, જીઆરડી પ્રીતિબેન તેમજ પાયલોટ શૈલેષભાઈ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,બંને કિશોરીઓ 11 મા ધોરણમાં અભ્યાસ કરે છે અને બંને બહેનપણીઓ છે. બંને બહેનપણીઓ ડાંગ દરબારના મેળામાં આવવા જીપમાં સવારે 9:00 વાગે ઘરેથી નીકળેલ હતી. ત્યાર બાદ ડાંગ દરબારમાં ફરતાં ફરતાં રાત્રિનો સમય થઈ ગયો હતો.ત્યારે તેમને લાગ્યું કે તેઓ તેમની માસીના ઘરે જશે પરંતુ ત્યાં જઈને માલુમ પડ્યું કે માસી અહી રહેતા નથી. જેથી બંને બહેનપણી ડાંગ દરબારના મેળામાં અટવાઈ ગઈ હતી.રાત્રિના સમયે કોઈ અન્ય વાહન પણ મળ્યું ન હતું. તેથી તેઓ સવાર પડવાની રાહ જોઈ રહ્યા હતા કે સવાર પડે અને પોત પોતાના ઘરે જાય પરંતુ તેઓને ડાંગ દરબારમાં એક જાગૃત વ્યક્તિએ જોઈને તેઓને 181 મહિલા અભયમ પર કોલ કરીને તેઓની મદદ કરવાનું કહેતા આહવા ટીમે સ્થળ પર પહોંચી હતી . ત્યારે 181 અભયમ ટીમ એ બંને બહેનો સાથે વાતચીત કરીને ઘરનું સરનામું મેળવી બંને બહેનોને 181 મહિલા અભયમની ટીમે તેમના પરિવાર સાથે સહી સલામત મિલન કરાવ્યું હતું. ડાંગ દરબારના મેળામાં ખડે પગે ઉભી રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરીથી પરિવાર તેમજ ગામના લોકોએ 181 મહિલા અભયમ ટીમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો.