વાંસદા તાલુકાની ઉનાઈ પ્રાથમિક શાળાની ઉજ્જ્વળ સિદ્ધિ:તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉનાઈ પ્રાથમિક શાળાએ ગૌરવપૂર્ણ સફળતા મેળવી છે. વિભાગ–૨“કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો” વિષયક મોડેલ રજૂઆતમાં શાળાના વિદ્યાર્થીનીઓએ સર્વશ્રેષ્ઠ અને ઉમદા પ્રદર્શન કર્યું હતું.
ઉનાઈ પ્રા. શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ માહિકા ત્રિવેદી અને જીલ ચૌધરી એ “પ્લાસ્ટિક કચરાનું પાયરોલિસિસ દ્વારા વ્યવસ્થાપન” જેવી અત્યંત ઉપયોગી અને નવીન સંકલ્પનાનો પ્રયોગ રજૂ કર્યો હતો, જેને નિર્ણાયકો તરફથી વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. આ પ્રયોગ માત્ર વૈજ્ઞાનિક સમજ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ માટે અત્યંત પ્રેરક છે.
આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષિકા હિનાબેન મકવાણાનો મહત્વનો ફાળો રહ્યો છે. શાળાના આચાર્ય પ્રિતેશભાઈ પટેલ, સમગ્ર શાળા પરિવાર તેમજ SMC સભ્યોએ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
ઉનાઈ પ્રાથમિક શાળા હવે જિલ્લામાં યોજાનાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વાંસદા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે.
શાળા પરિવાર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ પણ તેજસ્વી પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરશે.




