
તસ્વીર: કુંજન પાટણવાડીયા

ઉમરેઠ ઇન્ચાર્જ પી.આઈ. એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે નવાપુરા રોડ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા પીકઅપ ડાલાનો ફિલ્મી ઢબે પીછો કરી કુલ ₹૧૮,૫૧,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોડી રાત્રે હાઈવે પર પોલીસનું ચેઝિંગ
બાતમી મળી હતી કે ડાકોરનો બુટલેગર રાજુ નવલસિંહ દરબાર (ઉર્ફે રાજ સોલંકી) પોતાના પીકઅપ ડાલા (નંબર: GJ-07-TU-3483) માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉમરેઠથી ડાકોર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે આ.પો.કો. મૂળરાજસિંહ અને ટીમ વોચમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ બુટલેગરે વાહન ભગાડી મૂક્યું હતું. પોલીસે રખીયાલ રેલવે ફાટકથી નવાપુરા રોડ સુધી પીછો કરતા આરોપીઓ વાહન મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા.
પોલીસે પીકઅપ ડાલાની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો:
રોયલ બ્લ્યુ માલ્ટ વિસ્કીની ૩૦૦ પેટી (કુલ ૧૪,૪૦૦ ક્વાટર) – કિંમત ₹૧૪,૪૦,૦૦૦/-
મહિન્દ્રા મેક્ષ પીકઅપ ડાલું – કિંમત ₹૪,૦૦,૦૦૦/-
ઓપો એન્ડ્રોઇડ અને કીપેડ ફોન – કિંમત ₹૧૧,૫૦૦/-
કુલ કિંમત: ₹૧૮,૫૧,૫૦૦/-
બુટલેગર રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ
આ સફળ રેડમાં ઇન્ચાર્જ પી.આઈ. એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ અ.હેડ.કો. રાકેશભાઇ, આ.પો.કો. મૂળરાજસિંહ, યશરાજસિંહ અને દીગવિજયસિંહની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ફરાર આરોપી રાજુ સોલંકી અને તેના સાગરીત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






