દાંતીવાડા ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સુધારીલી યાદી દાંતીવાડા ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો સહકારીતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી બનાસના સહકાર ક્ષેત્રની સુવાસ આજે દેશભરમાં ફેલાઈ છે:- મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
દાંતીવાડા ખાતે સ્થળ પર જ જિલ્લાની ૩૦૦થી વધારે પેક્સ મંડળીઓના સભ્યપદ માટે રજીસ્ટ્રેશન કરાયું ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટીવ સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સ્થાનિક રોજગારી અને ગામડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બનાવ્યો છે. તેમણે જણાવ્યું કે, સહકારીતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે. તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી, પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે. તેમણે જણાવ્યું કે, સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને ન માત્ર આર્થિક મજબૂતી મળી છે, પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સહકાર ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. સહકારી બાબતોનો અભ્યાસ કરવો હોય તો બનાસકાંઠા જિલ્લામાં આવીને કરવો જોઈએ. બનાસની સહકારીતાની સુવાસ આજે દેશભરમાં ફેલાઈ છે. તેમણે જણાવ્યું કે, આજના યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પુનરાવલોકન કરવાની જરૂર છે. FPOs તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવી પહેલ અને નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ તકે સહકારી મંડળીઓને સાબિતીથી કાર્ય કરવા અને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ પણ કરી.
કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, તથા ખેતી ઉત્પાદન સંગઠનો (FPOs) સાથે સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા અને સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ-આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા, ખેતીમાં મૂલ્યવધારણ અને વેપારિક દૃષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરાઈ હતી.આ કાર્યક્રમમાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી બનાસકાંઠા અને બનાસ બેન્ક દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ નવી રાષ્ટ્રીય કક્ષાની સહકારી મંડળીઓમાં સભ્ય બનવા માટે સ્થળ પર જ કેમ્પ રાખી જિલ્લાની ૩૦૦થી વધારે પેક્સ મંડળીઓના સભ્યપદ માટે રજીસ્ટ્રેશન કરાયું હતું. સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રારશ્રી ડી. વી.ગઢવીએ ભારત સરકારના સહકારીતા મંત્રાલય દ્વારા સેવા સહકારી મંડળીઓ માટે શરૂ કરાવમાં આવેલી નવીન પહેલો જેવી કે, પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન, કોમન સર્વિસ સેન્ટર, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, માઇક્રો એ.ટી.એમ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેકશન વગેરેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેનશ્રી અજય પટેલ, સહકાર સચિવશ્રી સંદીપ કુમાર, રાજ્ય રજીસ્ટ્રારશ્રી એમ.પી.પંડ્યા, ડીસા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ તમામ એ.પી.એમ.સીના ચેરમેનશ્રીઓ, સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




