Rajkot: સૌની યોજના હેઠળ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે અને ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયો છે : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧૯/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી
Rajkot: રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે આજ રોજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતા અને વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ) યોજના અંતર્ગત રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાની કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીના મોટાભાગના કામો હવે પૂર્ણ થઈ ગયા છે. ‘સૌની યોજના’ અંતર્ગત અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા ખેતી અને પશુપાલન વ્યવસાયનો વિકાસ થયો છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રના ૮૦%થી વધુ વિસ્તારને આ યોજનાનો લાભ મળવા લાગશે, જેને કારણે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. સૌની યોજના હેઠળ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે અને ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયો છે. આમ, આગામી દિવસોમાં હજુ પણ પાણીની સુવિધા વધતા સૌરાષ્ટ્રના ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે.
આ પ્રસંગે મંત્રીશ્રીનું પરંપરાગત સામૈયું કરીને સ્વાગત કરાયું હતું, ત્યારબાદ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીનું ફૂલહારથી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને અગ્રણી શ્રી શાંતિભાઈ ધણુજાએ પ્રાસંગિક ઉદબોધનમાં સૌની યોજનાના લાભ વિશે માહિતી આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવેશભાઈ મેરે કર્યું હતું. આ તકે સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પ્રશાંતભાઈ ભોજાણી સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કુલ ૧૭ ગામોને સૌની યોજનાનો લાભ મળશે
સૌની યોજના લિંક-૩ હેઠળના આ વિકાસ કાર્યથી રાજકોટ અને વાંકાનેર તાલુકાના કુલ ૧૭ ગામોને પાણીનો લાભ મળશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇનના હયાત સ્કાવર વાલ્વથી ૦૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવ, ચેકડેમ અને જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામે વાંકાનેર તાલુકાના ૦૩ તળાવો અને ૦૯ ચેકડેમ તેમજ રાજકોટ તાલુકાના ૧૨ તળાવો અને ૪૫ ચેકડેમો પાણીથી છલકાશે. આ સુવિધાને કારણે અંદાજે ૫૧૫૦ હેક્ટર જમીનમાં સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. ખાસ કરીને રાજકોટ તાલુકાના રાણપુર, હડમતીયા બેડી, તરઘડીયા, ધમલપર, માલીયાસણ, નાકરાવાડી, ખેરડી, સણોસરા, ખીજડીયા, કુવાડવા, ગુંદા, ઠેબચડા, ગઢકા અને મેસવડા તેમજ વાંકાનેર તાલુકાના ઘીયાવડ, વણઝારા અને ખેરવા ગામના ખેડૂતો આ યોજનાનો વ્યાપક લાભ મેળવી શકશે.








