ARAVALLIGUJARATMODASA

“અરવલ્લી બચાવો અભિયાન” અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા અપાયું 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

“અરવલ્લી બચાવો અભિયાન” અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા અપાયું

અરવલ્લી પર્વતમાળાના વિનાશ સામે કોંગ્રેસનો સ્પષ્ટ એલાન

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે “અરવલ્લી બચાવો અભિયાન” અંતર્ગત અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટર,અરવલ્લી ને આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરોનો ઢગલો નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કરોડો નાગરિકોના પાણી, ખેતી અને પર્યાવરણનો આધારસ્તંભ છે. છતાં દુર્ભાગ્યવશ છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લી વિસ્તારમાં બેફામ ખનન, જંગલ જમીનનું ખાનગીકરણ અને પર્યાવરણ કાયદાની ખુલ્લેઆમ અવગણના થતી જોવા મળી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ અરવલ્લી નથી જેવી ખોટી અને ભ્રામક વ્યાખ્યાઓના આધારે અરવલ્લી પર્વતમાળાને સંરક્ષણની હદ બહાર રાખવાનો પ્રયત્ન ગંભીર ચિંતાનો વિષય છે. આ પ્રકારની નીતિઓના કારણે અરવલ્લી જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે, પાણીના પરંપરાગત સ્ત્રોતો સુકાઈ જશે અને ખેડૂત તથા આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે.

કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ માંગ કરી છે કે અરવલ્લી પર્વતમાળાને સંપૂર્ણ પર્યાવરણીય સુરક્ષા આપવામાં આવે, ભ્રામક વ્યાખ્યાઓ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખનન તથા પર્યાવરણ વિનાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર આ ગંભીર મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લે, તો “અરવલ્લી બચાવો અભિયાન” અંતર્ગત લોકશાહી માર્ગે જનઆંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

અરવલ્લી બચાવો – ગુજરાત બચાવો

આ માત્ર કોંગ્રેસની નહીં, પરંતુ સમગ્ર સમાજની લડત છે. આ જિલ્લાના તમામ પક્ષના આગેવાનો, સાધુ સંતો-મહંતો, ખેડૂતો સહિત તમામ નો સંપર્ક કરી આ લડતમાં જોડવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી જશુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, આશુતોષ રાઠોડ, રાહુલ પટેલ , વદનસિંહ મકવાણા સહિત ના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!