વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જનભાગીદારીથી થતો વિકાસ સર્વાંગી પ્રગતિનો આધાર :— કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટિલ
નવસારી જિલ્લાના ચીખલીના દિનકર ભવન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ, દહેજ દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત કુલ રૂ. ૨૪૨ લાખના આધુનિક આરોગ્ય ઉપકરણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સહાય અંતર્ગત ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને ૧૩૦ લાખના , સિવિલ હોસ્પિટલ નવસારીને ૨૫ લાખના , વાંસદા કોર્ટેજ હોસ્પિટલને ૩૦ લાખના તથા વલસાડની આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલને ૫૭ લાખના મળીને કુલ ૨૪૨ લાખના જરૂરી મેડિકલ આધુનિક ઉપકરણો પ્રદાન કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ આરોગ્ય ક્ષેત્રે થયેલા આ યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “આવા જનકલ્યાણ કાર્યો માત્ર આરોગ્ય સેવા મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ સમાજને તંદુરસ્ત અને સશક્ત બનાવવા માટે અગત્યનો આધાર પુરો પાડે છે. સરકારના પ્રયત્નો સાથે જો સમાજ અને લોકોની જનભાગીદારી જોડાય તો વિકાસની ગતિ અનેકગણી વધી શકે છે. જનભાગીદારીથી થતો વિકાસ જ લાંબા ગાળે સ્થાયી અને સર્વસમાવેશક બને છે.” સી.આર.પાટીલએ વધુમાં ઉમેર્યું હતું કે, “સી.એસ.આર. અંતર્ગત મળતી સહાય સરકારના પ્રયત્નોને પૂરક બની રહી છે. સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર સારવાર, આધુનિક ઉપકરણો તથા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સી.એસ.આર હેઠળની આવી સહભાગિતા આવશ્યક છે. સાથે જી.સી.પી.એલના મેનેજીંગ ડિરિકેટર હેમંત દેસાઈના વર્ષો થી સમાજ માટે કરેલ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી”
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ , નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ , જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ , તથા જી.સી.પી.એ.લના કર્મચારીઓ , સ્થાનિક આગેવાનો, લોક પ્રતિનિધિઓ, તબીબી ક્ષેત્રના નિષ્ણાતો તથા સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.