નિરોણાની સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલમાં ‘ચળવળ કવિતાની’ કાર્યક્રમ યોજાયો.
વાત.વિદ્યાર્થીઓ માટે બન્યો સર્જનાત્મક અભિવ્યક્તિનો ઉર્મિપૂર્ણ ઉત્સવ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૭ નવેમ્બર : નિરોણા ગામની સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલમાં વિશ્વ ગ્રામ સંસ્થાના સ્વયંસેવક મોહનભાઈ માતાના માર્ગદર્શન હેઠળ “ચળવળ કવિતાની” અનોખી સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાઈ હતી. ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈને ૧૩૦થી વધુ કવિતાઓ લખી હતી, જેમાંથી ૨૬ સ્વ-રચિત કવિતાઓ સ્વરૂપે મળી આવી, જે કાર્યક્રમની સફળતાનું પ્રતિબિંબ છે.પ્રવૃત્તિ દરમિયાન મોહનભાઈએ દરેક વર્ગમાં જઈ કવિતા લેખનની સમજ આપી અને ઉદાહરણરૂપ બે-ચાર કવિતાનું પઠન કરતાં વિદ્યાર્થીઓમાં રસ જાગ્યો. પોતાના મનગમતા વિષય પર કવિતા લખવાની વાત વિદ્યાર્થીઓને ખૂબ જ ગમી. ખાસ કરીને મિત્રતા અને માતા વિષયક કવિતાઓમાં વિદ્યાર્થીઓએ ખાસ ઉત્સાહ દર્શાવ્યો. રંગીન કાગળ અને ખાલી પાનાં વિદ્યાર્થીઓને અત્યંત આકર્ષિત કરે છે તેવું જણાયું. મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું એક કવિતા લેખન કર્યું, જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓએ બે, ત્રણ અને ચાર સુધી કવિતાઓ લખીને સર્જનાત્મકતા દેખાડીને આનંદ મેળવ્યો. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કવિતાઓ લખાઈ, જ્યારે એક કવિતા સંસ્કૃતમાં પણ પ્રાપ્ત થઈ. બહેનોએ ભાઈઓ કરતાં વધુ ઉત્સાહ દર્શાવીને પાનાં પર આકર્ષક ડિઝાઇન સાથે કવિતાઓને સુંદર રીતે શણગારી.પ્રવૃત્તિ દરમિયાન શાળાના આચાર્યશ્રી ડૉ વિષ્ણુભાઈ ચૌધરી સાહેબ તથા વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની સહિતના શિક્ષક મિત્રોનો ઉત્તમ સહકાર મળ્યો હતો. પ્રવૃત્તિ બાદ શિક્ષક અલ્પેશભાઈએ શાળા કક્ષાએ કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવાની તથા વિદ્યાર્થીઓની સ્વ-રચિત કવિતાઓનું સંકલન કરીને શાળાનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરવાની શુભકલ્પના વ્યક્ત કરી, જે આચાર્ય શ્રી ચૌધરી સાહેબે આવકારેલ હતી.
આ “કવિતાની ચળવળે” વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ભાષા પ્રત્યેનો રસ અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપી એક સુંદર અનુભૂતિ સર્જી હતી.




