GUJARATKUTCH

કચ્છ આરોગ્યતંત્રમાં ‘હળકંપ’ : 108 સુપરવાઈઝરોની સામુહિક બદલી, યુનિયનના માંધાતાઓ પણ ન બક્ષાયા 

વાત્સલ્યમ્ સમાચાર

કચ્છ આરોગ્યતંત્રમાં ‘હળકંપ’ : 108 સુપરવાઈઝરોની સામુહિક બદલી, યુનિયનના માંધાતાઓ પણ ન બક્ષાયા 

 

ભુજ,તા.1: કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં છેલ્લા ઘણા સમયથી જેની અટકળો સેવાતી હતી તેવો બદલીઓનો ગંજીપો આખરે ચીપાયો છે. રિપોર્ટિંગ અને સુપરવિઝનની કામગીરી સંભાળતા સુપરવાઈઝર કેડરના કુલ 108 કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે જેમાં 65 પુરુષ અને 43 સ્ત્રી સુપરવાઈઝરોનો સમાવેશ થાય છે. આ પૈકી 83 જેટલા કર્મચારીઓની બદલી ‘વહીવટી સરળતા અને જાહેર હિતાર્થે’ કરવામાં આવતા વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

 

યુનિયનમાં ભંગાણ અને ‘તડીપાર’ની ચર્ચા :

એક સમયે ગુજરાતભરમાં જેનું નામ ગાજતું હતું તેવું કચ્છનું આરોગ્ય કર્મચારી યુનિયન આ બદલીઓના ઘાતકી પ્રહાર સામે સાવ ‘પાણીમાં બેસી ગયું’ હોય તેવું જણાય છે. આ બદલીઓમાં વર્તમાન અને ભૂતપૂર્વ હોદ્દેદારોને પણ બક્ષવામાં આવ્યા નથી. ચર્ચાઈ રહ્યું છે કે, યુનિયન દ્વારા અનુભવી અને કાર્યદક્ષ કર્મચારીઓની કરવામાં આવેલી અવગણનાને કારણે આજે આ સ્થિતિ સર્જાઈ છે.

આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા આરોગ્ય યુનિયનની નબળી પડતી પકડની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિયનના કેટલાક પાયાના અને અનુભવી સુપરવાઈઝર કેડરોને યુનિયનમાંથી જાણે ‘તડીપાર’ કરી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લા કક્ષાએ સુપરવાઈઝર કેડરનું પોતાનું કોઈ અલગ મજબૂત યુનિયન અસ્તિત્વમાં ન હોવાનું પણ આ નિમિત્તે બહાર આવ્યું છે. કર્મચારીઓની રજૂઆત કરવામાં યુનિયન સાવ ‘પાણીમાં બેસી ગયું’ હોવાથી નિષ્ઠાવાન કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ મહેશ ભગુભાઈ ગાગલની તેમની માંગણી મુજબ ધાણેટી થી સુમરાસર શેખ ખાતે બદલી કરી આપીને તંત્રએ થોડી નરમાશ પણ બતાવી છે.

 

ભૌગોલિક પડકારો અને રોગચાળાનું જોખમ:

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે જ્યાં દરેક તાલુકાની ભૌગોલિક અને વાતાવરણીય પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે. રાપરના રણ વિસ્તારથી લઈને લખપત-અબડાસાના અંતરિયાળ વિસ્તારોને સમજવા માટે વર્ષોનો અનુભવ જોઈએ. જ્યારે અનુભવી અને સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ સુપરવાઈઝરોની એકાએક બદલી કરવામાં આવે છે ત્યારે નવી નિમણૂક પામેલા કર્મચારીઓને વિસ્તાર સમજતા જ મહિનાઓ નીકળી જશે. જો આ દરમિયાન કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો તેને નિયંત્રિત કરવામાં તંત્રના નાકે દમ આવી શકે છે.

 

જનતા પર આર્થિક બોજ: 83 બદલીઓનું ભથ્થું કોણ ભોગવશે?

વહીવટી સરળતાના નામે થયેલી 83 બદલીઓમાં નિયમ મુજબ બદલી ભથ્થું (ટાન્સફર ટીએ) આપવું પડશે. આર્થિક સંકડામણ વચ્ચે ઝઝૂમતી જિલ્લા પંચાયત અને અંતે તો કરદાતા લોકો પર આ લાખો રૂપિયાનો વધારાનો બોજ પડશે. શું આ બદલીઓ ખરેખર અનિવાર્ય હતી? તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.

જાહેર આરોગ્યના હિતનું કારણ આપીને કરવામાં આવેલો આ મોટો ફેરફાર જિલ્લાના કર્મચારી તંત્રમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષોથી ગોઠવાયેલા સમીકરણો વિખેરાઈ જતાં હવે આગામી સમય જ બતાવશે કે આ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી બદલીઓની કચ્છના આરોગ્ય ક્ષેત્ર પર પોઝિટિવ અસર થાય છે કે પછી વહીવટી ગૂંચવણો વધે છે.

 

 

મહત્વની બદલીઓની વિગતવાર યાદી:

જિલ્લા કક્ષાએથી ફિલ્ડમાં મોકલાયેલ સુપરવાઈઝરો:

 * જયેશ ભાનુશાલી: જિલ્લા કક્ષાએથી લખપત તાલુકા સુપરવાઈઝર તરીકે.

 * રાજેશ યાદવ: જિલ્લા કક્ષાએથી નખત્રાણા તાલુકાના મંજલ PHC ખાતે.

 * દામજી વારોત્રા: જિલ્લા કક્ષાએથી ભુજ તાલુકાના ધાણેટી PHC ખાતે.

 * મુળુભા જાડેજા: જિલ્લા કક્ષાએથી ગાંધીધામ તાલુકા સુપરવાઈઝર તરીકે.

 * વિજય પરમાર: જિલ્લા કક્ષાએથી માંડવી તાલુકાના દરશડી PHC ખાતે.

 

તાલુકા કક્ષાએ બદલાયેલ મુખ્ય ચહેરાઓ:

 * શામજી ધનજી બત્તા: અંજારથી રતનાલ PHC.

 * રામજી બી. પરમાર: રાપરથી બાલાસર PHC.

 * સુલેમાન એ. પિંજારા: નખત્રાણાથી રવાપર PHC.

 * દિપક ડી. દરજી: ભચાઉથી સામખિયાળી PHC.

 * આશિત એમ. શાહ: ભુજથી નખત્રાણા તાલુકાના વિથોણ PHC.

 * ઝવેરીલાલ પી. નાથાણી: માંડવીથી મુન્દ્રા તાલુકાની જવાબદારી.

 * અજય કુમાર કે. સોલંકી: લખપતથી રાપર તાલુકાની જવાબદારી.

 

નવી જવાબદારી સોંપાઈ (પુરુષ સુપરવાઈઝર):

 * માવજીભાઈ મેરીયા: રતનાલથી અંજાર તાલુકાની જવાબદારી.

 * જીતેન્દ્રસિંહ ગાભુભા સરવૈયા: જખોથી અબડાસા તાલુકાની જવાબદારી.

 * રિયાઝહુસેન અબ્દુલગફુર શેખ: વિથોણથી નખત્રાણા તાલુકાની જવાબદારી.

 * સૂર્યકાંત એન. પરીખ: મનફરાથી ભચાઉ તાલુકાની જવાબદારી.

 * રાજેશ આર. ગોર: કેરાથી ભુજ તાલુકાની જવાબદારી.

 * અશ્વિન હરીલાલ ગઢવી: તલવાણાથી માંડવી તાલુકાની જવાબદારી.

 

તાલુકા કક્ષાએ ફિમેલ સુપરવાઈઝરની મહત્વની બદલીઓ:

 * કેતનાબેન જે. નાયી: અંજારથી ચાંદરાણી PHC.

 * ભાવિની સી. સોલંકી: અબડાસાથી કુકમા PHC (ભુજ).

 * ગંગાબેન એમ. વિંઝોડા: ભુજથી મંજલ PHC (નખત્રાણા).

 * હર્ષા કે. જોશી: લખપતથી નિરોણા PHC (નખત્રાણા).

 * જ્યોતિબેન બી. મહેશ્વરી: ચાંદરાણીથી અંજાર તાલુકાની જવાબદારી.

 * મંજુલાબેન જી. ગરોડા: જુના કટારીયાથી ભચાઉ તાલુકાની જવાબદારી.

 * દિવ્યા એમ. વેકરીયા: દહીસરાથી ભુજ તાલુકાની જવાબદારી.

 * કોકિલા સી. રાઠોડ: મોટા દીનારાથી લખપત તાલુકાની જવાબદારી.

 * વનિતા એચ. ગરવા: કોડકીથી અબડાસા તાલુકાની જવાબદારી.

 * રીનાબેન બી. ઝાલા: દરશડીથી માંડવી તાલુકાની જવાબદારી.

 * કમળાબેન ફફલ: ઝરપરાથી મુન્દ્રા તાલુકાની જવાબદારી.

 * રીટાબેન ટી. ડામોર: ફતેગઢથી રાપર તાલુકાની જવાબદારી.

 

જિલ્લા કક્ષાએ બોલાવાયેલ (ડેપ્યુટેશન):

હરિલાલ આર. જાટિયા (મુન્દ્રા), વિનોદભાઈ એન. ગેલોતર (ગાંધીધામ), વિશાલકુમાર પ્રવીણભાઈ પટેલ (રવાપર), અજીતસિંહ પથુભા વાઘેલા (દેશલપર-વાંઢાય) અને ઇમરાન આદમભાઈ મનસુરી (દરશડી) ને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં સેવા માટે બોલાવાયા છે.

હવે જોવાનું એ રહ્યું કે આ ફેરબદલથી આરોગ્ય સેવામાં સુધારો થાય છે કે પછી યુનિયન અને તંત્ર વચ્ચેના ગજગ્રાહમાં જનતા પીસાય છે.

Back to top button
error: Content is protected !!