
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં કુદરતે અચાનક મિજાજ બદલ્યો હોય તેમ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ઘેરા વાદળોની જમાવટ જોવા મળી હતી. ત્યારબાદ સાંજના સમયે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યું હતું અને ભરશિયાળામાં ચોમાસા જેવો અહેસાસ થયો હતો. સુબીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને લઈને ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.ઉપરાંત, ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. બીજી તરફ, જિલ્લાના મુખ્ય મથક આહવા તેમજ સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ સાપુતારામાં પણ મોડી સાંજે વરસાદના અમીછાંટણા થયા હતા. પરિણામે પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સાપુતારામાં ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.પરંતુ સ્થાનિક ખેતીવાડી ક્ષેત્રે આ માવઠું નુકસાનકારક સાબિત થવાની શક્યતા છે. ખાસ કરીને રવિ પાક તેમજ આંબાવાડીઓમાં આવેલા મોર (ફૂલ) ને વરસાદથી મોટા પાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના લીધે ડાંગના ડુંગરાળ વિસ્તારોમાં ઠંડીનું જોર ફરી વધ્યું છે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા વર્તાઈ રહી છે.





