GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટાના ગણોદ ગામે સરકારી જમીન પરનું દબાણ હટાવાયું

તા.૧૮/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રૂ. ૧૭ કરોડથી વધુ કિંમતની ૩૦૦ વીઘાથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ, દબાણકારોને રૂ. ૪.૪૨ લાખનો દંડ

Rajkot, Upleta: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના દિશાનિર્દેશમાં હાલ જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી વેગવંતી બની છે. ત્યારે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવી આશરે રૂ. ૧૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ અંગે ધોરાજી નાયબ મામલતદાર શ્રી અંકીતભાઈએ માહિતી આપતા જણાવ્યું છે કે, ઉપલેટા તાલુકાના ગણોદ ગામે આવેલ સરકારશ્રી હસ્તકની સર્વે નંબર ૭૮૪ પૈકી ૧૩૧ કુલ જમીન હે. ૭૧-૭૨-૨૬ ચો.મી. માંથી હે. ૪૮-૦૧-૦૧ ચો.મી. જમીન પર કુલ ૩૧ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતુ.

જે અન્વયે કલેક્ટરશ્રી ડો.ઓમ પ્રકાશનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી, ઉ૫લેટા દ્વારા દબાણ કેસ ચલાવી અને નિયમાનુંસારની કાર્યવાહી કરાઈ હતી. ત્યારબાદ હુકમ મુજબ દબાણદારોને નોટિસ આપી દબાણ ખુલ્લુ કરવા જણાવવામાં આવ્યું હતું. દબાણકર્તાઓ સમય મર્યાદામાં દબાણ ખાલી ન કરતા ગત રોજ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ નાયબ કલેક્ટરશ્રી, નાગાજણ તરખાલા, ઉપલેટા મામલતદારશ્રી નિખિલ મહેતા તથા નાયબ મામલતદાર, રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસની ટીમ મળી કુલ ૧૫ થી વધુ કર્મચારીઓ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.

દબાણ હટાવ કામગીરી માટે ચાર જે.સી.બી., પાંચ રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી ૩૦૦ વીઘાથી વધુ જમીન પર થયેલું દબાણ દૂર કરી સરકારશ્રી હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત આશરે રૂ. ૧૭ કરોડથી વધુ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. વધુમાં દબાણકારોને સજા રૂપે રૂ. ૪,૪૨,૦૩૦ (ચાર લાખ બેતાલીસ હજાર ત્રીસ રૂ) નોં દંડ પણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!