Upleta: ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે યોજાયેલો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ
તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧, ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓનો ઉમંગભેર પ્રવેશ કરાવાયો: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
Rajkot, Upleta: ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના અધ્યક્ષસ્થાને ઉપલેટાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા સંચાલિત સાત શાળાઓ તથા મધુબેન દેસાઈ પી.એમ.શ્રી શાળા, શેઠ ટી.જે. કન્યા વિદ્યાલય તથા મ્યુનિસિપલ વિવિધલક્ષી વિનય મંદિર બોયઝ હાઇસ્કુલ ખાતે કન્યા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયા હતા. જેમાં આંગણવાડી, બાલવાટિકા, ધો-૧, ૯ અને ૧૧માં બાળકોનો ઉમંગભેર શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ તકે ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ કહ્યું હતું કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પ્રથમ હરોળમાં આવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા તેમણે દીકરીઓને શિક્ષણ તરફ પ્રેરિત કરી તો શાળા પ્રવેશોત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તે સુનિશ્ચિત કર્યું. પ્રધાનમંત્રીશ્રીએ મેરિટ આધારિત શિક્ષકોની ભરતી, તેમના પગાર ધોરણમાં સુધારો, શાળાઓને માળખાકીય સુવિધાસભર બનાવી. આ ત્રણ પાયા મજબૂત થતાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવ્યું. રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કરેલ ભગીરથ પ્રયાસોમા વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ યોગદાન આપી રહી છે. આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચો આવી ગયો છે, દીકરીઓ શિક્ષણમાં ૧૦૦% પ્રવેશ મેળવી નવા શિખરો સર કરી રહી છે.આજે નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના દ્રારા બાળકોને ઉચ્ચ શિક્ષણમા સહાયક બની ઉડવા માટે નવી પાંખો આપવામાં આવી છે.
શ્રી પાડલિયાએ આ તકે શાળામાં પ્રવેશ લેનારા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સમાજ અને સરકારના સહકારથી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ થશે. આ સાથે તેમણે સૌ માતા પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા સહકાર આપે તેમ અનુરોધ કર્યો હતો.
પ્રવેશોત્સવ પ્રસંગે આંગણવાડીમાં ૧૬૧ બાળકો, બાલવાટિકામાં કુલ ૧૨૨ બાળકો, સીધા ધોરણ ૧માં કુલ ૧૫, ઉચ્ચ શિક્ષણમાં ધો.૯માં ૧૭૮, ધો.૧૧માં ૧૬૩ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
આ તકે મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને શિક્ષણ કીટ અને આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાઓના ધો. ૧ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓને અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી બાળકોને સામાજિક વનીકરણમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પશુપાલન વિભાગના નાયબ નિયામક શ્રી એ.કે.કટારા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી હર્ષાબેન ગજેરા, ચીફ ઓફિસર શ્રી નીલમબેન ઘેટીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયંતીભાઈ બરોચીયા, વિવિધ શાળાના આચાર્યાશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.