Upleta: “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે ઉપલેટાની બાળા કેશવીની જન્મજાત તાળવાની ખામી દુર કરાઈ

તા.૧૭/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ બાળકોને નિ:શુલ્ક સારવાર દ્વારા સ્વસ્થતા પ્રદાન કરવામાં આવે છે. આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની કેશવી કરમચંદાણીને જન્મથી જ તાળવાની ખામીની વિનામૂલ્યે સારવાર કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં જન્મેલી બાળકીના ઘરની આર.બી.એસ.કે.ની ટીમના ડો.જયસુખ વસાણી અને ડો.ફોરમ બારડે મુલાકાત લીધી હતી. આ વેળાએ બાળા કેશવીના સ્વાસ્થ્યની તપાસ દરમિયાન બાળકીને ક્લેફ્ટ પેલેટ (તાળવું તુટેલ) હોવાનું જણાયું હતું. આ જાણી ઉપલેટામાં એક નાની દુકાનના વેપારી અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા કેશવીના પિતા અને પરિવાર દુઃખી થયા હતા. આ સમયે આર.બી.એસ.કે.ની ટીમે બાળાના પરિવારને સાંત્વના આપી હતી. ટીમના ડોકટર્સએ દીકરીના પરિજનોને બાળકોની ક્લેફ્ટ પેલેટની સમયસર સારવારથી દુર થયેલી ખામીના અનેક કિસ્સાઓ જણાવી તેઓને હિંમત આપી હતી. ઉપરાંત, તૂટેલા તાળવાની સારવાર સરકાર દ્વારા મફત કરવામાં આવશે. તેમ જાણીને પરિવારજનોની ચિંતા હળવી થઇ હતી.
ટીમે કેશવીને ધ્રુવ હોસ્પિટલ ખાતે રીફર કરી, જ્યાં નિષણાંત તબીબોની ટીમ દ્વારા ક્લેફ્ટ પેલેટની (તાળવું તુટેલ) સર્જરી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધીકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શન મુજબ “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ જિલ્લામાં થતી સારી કામગીરી માટે દીકરી કેશવીના માતા-પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.




