વાગરા: પોસ્ટ ઓફિસની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો

સમીર પટેલ, ભરૂચ
શિયાળાની શરૂઆત થતાંની સાથેજ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દીવાલમાં લગાવેલ તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા.ગત રોજ દેવદિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજરોજ સવારના સાત વાગ્યા અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાતકાલિક ઓફિસ બહાર નિકરી જઇ પોસ્ટ માસ્તરને જાણ કરી હતી. પોસ્ટ માસ્ટર તાતકાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલ ચોર ટોળકીએ કેટલા રૂપિયાની ચોરી કરી છે. તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી. સરકાર દ્વારા ગુનોખોરીને અંજામ આપતા ગુનેગારોની ઓળખ કરી ગુનેગારોને જેલ પાછળ ધકેલી શકાય એ હેતુથી પબ્લિકની અવરજવર થતી હોય એવા દરેક જાહેર સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા સૂચનો કર્યા હોવા છતાંયે સરકારી પોસ્ટ ઓફિસમાં જ સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું મોકળું મેદાન હોવાનું કહી શકાય. હાલ પોસ્ટ માસ્તરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટિમ વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે. તેમજ ચોરો દ્વારા કરાયેલ નુક્સાનીનો આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોરે 1 વાગ્યા સુધી આ લખાય રહ્યું છે. ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.




