હવામાન વિભાગે દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ, 10 જિલ્લામાં યલો ઍલર્ટ

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આજે રવિવારે(7 સપ્ટેમ્બર) 221 થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આવતીકાલે સોમવારે (8 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
રાજ્યમાં 9 સપ્ટેમ્બરથી મેઘરાજા વિરામના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે, ત્યારે આ દિવસથી વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જેમાં કચ્છ અને વલસાડ ફક્ત 2 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ગત 1 જુન, 2025થી આજે 7 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને લઈને રાજ્યમાં કુલ 7177 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે આપત્તિજનક સ્થિતિમાં 1054 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.





