14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ !!!

સંસ્કારી નગરી વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને દબોચી લીધા છે.
મળતી વિગતો અનુસાર, નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા ગુરૂવારે ઘર પાસે આવેલી દુકાને વસ્તુ લેવા માટે નીકળી હતી. આ દરમિયાન ત્યાં હાજર બે યુવકોએ સગીરાને વાતોમાં ફોસલાવી હતી અને નજીકના એક મકાનમાં લઈ ગયા હતા. નરાધમોએ સગીરાને આશરે ત્રણથી ચાર કલાક સુધી મકાનમાં ગોંધી રાખી તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો.
સગીરાની બૂમો સાંભળીને આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પરિવારજનો અને સ્થાનિકોને થતા સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો. ઉત્તેજનાભરી સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પીડિતાને તાત્કાલિક મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતાને જોતા જોઈન્ટ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરતા 19 અને 20 વર્ષના બે યુવકોને ઝડપી પાડ્યા છે.
ફતેગંજ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નામ જાહેર કરવામાં આવશે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




