
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર: મકરસંક્રાંતિ તથા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સ્થિત શિનોર પાંજરાપોળ ખાતે ગૌસેવાનો અનોખો અને પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંદાજિત 300 જેટલી ગાયોને ગૌભક્તો દ્વારા ગુજરાતી થાળી પીરસી ભોજન કરાવવામાં આવ્યું હતું.
ઉત્તરાયણના પાવન દિવસે ગાયોને લાપસી, કાળા તલ, સુખડી, મોહનથાળ, તલસાકડી, શિંગદાણાની સાંકડી તથા ગોળ જેવા પરંપરાગત અને પૌષ્ટિક વ્યંજનો થાળીમાં પીરસવામાં આવ્યા હતા. ગાયોએ આનંદપૂર્વક આ વિશેષ ભોજનની મેજબાની માણી હતી.
શિનોર તાલુકાના ગૌભક્તોએ આ સેવાકાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્તરાયણ પર્વને ગૌસેવા સાથે ઉજવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, સેવાભાવના અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.




