દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં રાજકોટના ગુજરાતીએ લાફો ઝીંકી દીધો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, આરોપી બૂમો પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને લાફો ઝીંકી દીધો અને ગાળો ભાંડવા લાગ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.
જોકે, બાદમાં પોલીસે તુરંત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ હુમલો કેમ કરવામાં આવ્યો તે વિશેનું કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ, આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી.
હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં લોક દરબાર કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેંકડો લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો ઝીંકી દેનારો રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું તેની માતાએ જણાવ્યું છે. રાજેશની માતા ભાનુ બેને જણાવ્યું હતું કે, મારા દિકરાનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. તે પરિવારના સભ્યો પર પણ અવારનવાર હુમલા કરે છે. અમે તેની સારવાર કરાવવા સમર્થ નથી. તે રિક્ષા ચલાવે છે. જો કે, તેણે અગાઉ ક્યારેય કોઈ બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. તે પશુઓને પ્રેમ કરે છે. તેમને ભોજન આપે છે. તે પડોશી સાથે પણ સારી રીતે વર્તે છે. પડોશીએ પણ રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું જણાવ્યું હતું.
સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા(BNS)ની 109(1)/132/221 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં હાજર કરીને અઠવાડિયાના રિમાન્ડ મેળવાની કામગીરી કરાશે. સંયુક્ત કમિશ્નર મુજબ, તપાસમાં જો ગુનાહિત કાવતરાની જાણ થશે તો આરોપી વિરુદ્ધમાં તેની પણ કલમો ઉમેરવામાં આવશે.