
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
વેલેન્ટાઇન સ્કેમ : ‘I Love You’ મેસેજ કે ફ્રી ગિફ્ટની લાલચમાં ખાલી થઈ શકે બેંક એકાઉન્ટ
મોડાસા : વેલેન્ટાઇન વીકની શરૂઆત સાથે લોકો પોતાના પ્રિયજનો માટે ગિફ્ટ અને સરપ્રાઈઝની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સાયબર ગુનેગારો પણ સક્રિય બન્યા છે. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ મારફતે રોમાન્સ સ્કેમ અને ફેક ગિફ્ટ ડિલિવરીના નામે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું સાયબર નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
માહિતી મુજબ, ઠગો આકર્ષક નકલી પ્રોફાઇલ બનાવી યુવકો અને પ્રેમ સંબંધ માટે ઉત્સુક લોકોને ટાર્ગેટ કરે છે. શરૂઆતમાં મીઠી વાતો, “I Love You” જેવા સંદેશા અને ભાવનાત્મક વાતચીતથી વિશ્વાસ જીત્યા બાદ અચાનક મેડિકલ ઇમરજન્સી, નોકરી ગુમાવવાનું અથવા અન્ય બહાનાં બતાવી નાણાંની માંગણી કરે છે. પૈસા ટ્રાન્સફર થયા બાદ નકલી પ્રોફાઇલ ગાયબ થઈ જાય છે.
મોડાસા શહેરમાં પણ એક યુવક અને એક આધેડ વ્યક્તિ ઓનલાઈન પ્રણય સંબંધમાં ફસાઈ હજારો રૂપિયા ગુમાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પરિવાર અને ગામમાં આબરૂ જવાના ડરથી પીડિતોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત, ફ્રી ગિફ્ટ અથવા ફ્લાવર ડિલિવરીના નામે વોટ્સએપ અને એસએમએસ દ્વારા શંકાસ્પદ લિંક મોકલી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી રહી છે. ડિલિવરી કન્ફર્મ કરવા OTP અથવા નાની રકમ ચૂકવવાનું કહી બેંકિંગ વિગતો મેળવ્યા બાદ સાયબર ગુનેગારો લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લે છે.સાયબર નિષ્ણાતો લોકોને અજાણ્યા મેસેજ અને લિંકથી સાવધાન રહેવા, OTP અથવા બેંક વિગતો શેર ન કરવા તેમજ શંકાસ્પદ ઘટના બને તો તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ અથવા પોલીસને જાણ કરવા અપીલ કરી રહ્યા છે.





