
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.-૧૯ જૂન : તમાકુમુક્ત સમાજ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારના નિર્દેશન હેઠળ મુન્દ્રા તાલુકામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩નો કડકાઈથી અમલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીની સૂચનાથી તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ખાતું, એસ.ટી. વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયાની આગેવાની હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના સેવનથી થતા ભયાવહ નુકસાન અંગે જાગૃતિ લાવવાનો અને કાયદાનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાનો હતો. આ સમયે તમાકુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં કલમ-૪ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન નિષેધ, કલમ-૫ હેઠળ તમાકુ ઉત્પાદનોની જાહેરાત અને સ્પોન્સરશીપનો પ્રચાર નિષેધ, કલમ-૬ હેઠળ નાના બાળકોને તમાકુ કે તેની બનાવટોનું વેચાણ નિષેધ અને શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નિષેધ, કલમ-૭ હેઠળ તમાકુ સંબંધિત વસ્તુઓ પર “સ્વાસ્થ્ય માટે હાનિકારક છે” તેવું લખાણ હોવું ફરજિયાત હોવાની સમજણ આપવાની સાથે ઝુંબેશ દરમિયાન આ કલમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવાની સાથે નિયમોની જાણકારી પણ આપવામાં આવી હતી.
મુન્દ્રાના બંદર રોડ પર આવેલી શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો અને કેબિનોમાં જાહેરમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ તેમજ એસ.ટી. ડેપો, સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટનો ઉપયોગ કરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ઠુંમ્મરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભરતભાઈ બી. સોલંકી, ડેપો મેનેજર વિશાલપુરી ગોસ્વામી, આરોગ્ય વિભાગના ગીરીશભાઈ પટેલ અને દર્શન રાઠોડનો સહયોગ રહ્યો હતો.
મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મંથન એલ. ફફલે આરોગ્ય કર્મચારીઓને ટીમ વર્કથી વ્યસનો દૂર કરીને તંદુરસ્ત સમાજ નિર્માણ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. સંજયભાઈ યોગીએ તમાકુનું સેવન કરનારાઓ કરતાં તેની આસપાસના લોકો, ખાસ કરીને સગર્ભા માતાઓ અને નાના બાળકોને થતા પરોક્ષ નુકસાન અંગે સમજણ આપી “તમાકુ મુક્ત મુન્દ્રા” માટે લોકોને અપીલ કરી હતી.
રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશ ઠક્કરે વ્યસનમુક્તિની સાથે તણાવમુક્ત જીવન જીવવા માટે બારોઈ રોડ પર આવેલા બ્રહ્માકુમારી કેન્દ્રમાં નિઃશુલ્ક ચાલતા ધ્યાન યોગનો લાભ લેવાની ભલામણ કરી હતી. નશાની કાયમી લત છોડાવવા માટે ભુજમાં અદાણી જનરલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરવાનું પણ સૂચવવામાં આવ્યું હતું.ઝુંબેશ દરમિયાન એક જાગૃત નાગરિકે તમાકુની સાથે દારૂબંધી માટે પણ પગલાં લેવાય અને ખાસ કરીને તળાવ સર્કલથી ઉમિયાનગરના રસ્તે લોકો દારૂ પીને કાચની બોટલો રસ્તા ઉપર જ ફેંકી દેતા પગમાં ઈજા થઈ હોવાનું જણાવી પોલીસ ખાતું આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વિનંતી કરી હતી.












