VALSADVALSAD CITY / TALUKO

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ બેઠક યોજી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી

— લોકશાહીમાં અધિકારી અને પદાધિકારી સિક્કાની બે બાજુ છે, જેમના સંકલનથી પ્રજાલક્ષી કામગીરી ઝડપી અને પારદર્શી બનશેઃ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ                            

— જિલ્લાના ખેડૂતોને કેરી પાકના થયેલા નુકસાનમાં વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો છે, રિપોર્ટ બાદ વળતર બાબતે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાશેઃ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૪ એપ્રિલ

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ

પટેલે વલસાડના સર્કિટ હાઉસ ખાતે તા. ૧૪ એપ્રિલના રોજ સવારે ૮ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીની ઉપસ્થિતિમાં સંબંધિત ખાતાના વડાઓ સાથે બેઠક કરી ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના વિકાસ માટે પદાધિકારીઓ પાસેથી સલાહ સૂચનો મેળવી પ્રજાની સુખાકારી માટે પગલા ભરવા મહત્વના સૂચનો કર્યા હતા. જેમાં વિશેષ રૂપે માવઠાના કારણે કેરીના ખેડૂતોને જે નુકસાન થયું છે તેઓને વળતર આપવા માટે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. અને આ સર્વેના રિપોર્ટ બાદ કેરી પાકના ખેડૂતોને વળતર આપવા માટે સરકારશ્રી દ્વારા આ પ્રશ્ને ટૂંક સમયમાં નિરાકારણ લાવવામાં આવશે તેવી મંત્રીશ્રીએ હૈયાધરપત આપી હતી. મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે લોકશાહીમાં અધિકારી અને પદાધિકારી સિક્કાની બે બાજુ છે એમ કહી પ્રજાના પ્રતિનિધિઓની વાતને અધિકારીઓએ ગંભીરતાપૂવર્ક લઈ તે પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. જેથી ખાતાની કામગીરી ઝડપી અને પારદર્શી બને એવો અનુરોધ કર્યો હતો.

બેઠક દરમિયાન ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે મરોલીમાં મંજૂર કરાયેલી જેટી અંગે રજૂઆત કરતા કહ્યું કે, આ જેટી કમર્શિયલ બંદર બની શકે તેમ છે, અહી કાયમી પાણી રહે છે. હાલમાં વલસાડ જિલ્લાના માછીમારોએ મચ્છીમારી છેક સૌરાષ્ટ્ર સુધી જવુ પડે છે ત્યારે મરોલીમાં બનનારી જેટી માટે વધુ નાણાં ફાળવાય તો દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર બાદ બીજુ મહત્વનું બંદર મરોલી બની રહેશે. જે બાબતે ઘટતુ કરવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી. આ સિવાય ગુમ થયેલા ૧૪ માછીમારોની બોડી હજુ સુધી મળી નથી. તેમના પરિવાજનોને વીમાના પૈસા ચૂકવવા માટે વીમા કંપની પીએમ રિપોર્ટ માંગે છે. બોડી જ મળતી ન હોય તો પીએમ રિપોર્ટ કયાંથી લાવે? આવા કેસમાં વીમા કંપની દ્વારા પરિવારજનોને વીમાની રકમ મળવી જોઈએ તેવી માંગ કરી હતી. વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠાનું ધોવાણ દિવસે દિવસે વધતુ જઈ રહ્યું છે. વલસાડ તાલુકાનું દાંતી આખુ ગામ ધોવાઈ ગયું છે. આ સિવાય કલગામમાં પાણી ભરાઈ જાય છે. જેથી મજબૂત પ્રોટેકશન વોલ બનાવવા રજૂઆત કરી હતી. ખેડૂતો માટે મહત્વની ગણાતી વાડી યોજના અંગે ધારાસભ્યશ્રી પાટકરે કહ્યું કે, સરકાર ૧ એકર જમીનમાં ૪૦ કલમના ઝાડો આપે છે. જે ફળાઉ ઝાડ થયા બાદ તેની માવજત કરવા માટે ગ્રામ પંચાયત સાથે સંકલન કરી ગામના લોકોને મનરેગા હેઠળ કામ મળે તો ખેડૂતો અને શ્રમિકો બંનેને ફાયદો થઈ શકે તેમ છે. આ સિવાય વલસાડ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં પથ્થરો કાઢી જમીનને સમતોલ કરવા માટે રજૂઆત કરી હતી. જેથી આ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રીશ્રીએ સંબંધિત ખાતાના વડાઓને દિશા નિર્દેશ કર્યા હતા.

વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનો મુદ્દો ઉઠાવી જણાવ્યું કે, વલસાડ જિલ્લાને હાફૂસ કેરીના ઝોન તરીકે ઓળખાય છે. પરંતુ માવઠાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા જે વળતર ચૂકવાય છે તે ખૂબ જ ઓછુ હોવાથી ખેડૂતોને વધુ વળતર મળે એ સમગ્ર ખેડૂતોની માંગ છે. જેના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી રાઘવજી પટેલે કહ્યું કે, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ઓછો પડ્યો છે. નિયમ મુજબ કેરીના પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોવુ જોઈએ. કમોસમી વરસાદ સિવાય પણ કેરીના પાકને જુદા જુદા કારણસર નુકસાન થાય છે. જો કે આ મામલે કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે, વરસાદ માપવાનું મશીન જે જગ્યા પર મુક્યુ હોય ત્યાં ઘણીવાર એવુ બને કે, એ વિસ્તાર કે તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હોય પણ બાકીના તાલુકામાં વધુ વરસાદ પડ્યો હોય તો ત્યાંના ખેડૂતોને વધુ નુકસાન થયું હોય જેથી વરસાદના પ્રમાણને ધ્યાનમાં લેવાથી વિસંગતતા ઉભી થાય છે. જેના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સર્વેમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે.વધુમાં ધારાસભ્ય ભરતભાઈએ દાંતી, કકવાડી અને કોસંબામાં દરિયાઈ ધોવાણ થઈ રહ્યું હોવાની રજૂઆત કરતા મંત્રીશ્રીએ દાતી ગામના સ્થળ નિરિક્ષણની તૈયારી બતાવી હતી. બાદમાં ધારાસભ્ય ભરતભાઈએ વલસાડ જિલ્લાના મોટેભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ જિલ્લાના પશુપાલન દવાખાનામાં તબીબોની ઘટ હોવાનું જણાવ્યું હતું.  જે બાબતે મંત્રીશ્રીએ ખાલી જગ્યાને બેલેન્સ કરીશુ અને ૧૦ ગામ દીઠ એક ફરતા દવાખાનાથી તમામ ગામ કવર કરવાનો પ્રયાસ કરાયો છે.

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે, ધરમપુર અને કપરાડા તાલુકામાં કેટલાક એગ્રો સેન્ટરમાં ડુપ્લીકેટ બિયારણ વેચાઈ રહ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં જે બિયારણ મળે છે તેના ભાવ પણ નીચા હોય છે અને ગુણવત્તા પણ સારી હોય છે. જે અંગે મંત્રીશ્રીએ અધિકારીઓને એગ્રો સેન્ટરમાં તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપી હતી.

ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે સરકારી આવાસના લાભાર્થીઓનો પ્રશ્ન રજૂ કરતા કહ્યું કે, જ્યારે સર્વે થયો હોય ત્યારે ઘર કાચા હોય અને બાદમાં ઘર માલિક થોડા થોડા પૈસા ભેગા કરીને કાચુ પાકુ મકાન બનાવે છે તો અધિકારીઓ કહે કે, તમારુ પાકુ મકાન છે એટલે સહાય નહીં મળે એ યોગ્ય નથી.

જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે કહ્યું કે, તારની વાડની કામગીરી માટે કામો થતા નથી. જે અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, આ માટે બજેટમાં માંગ્યા મુજબ નાણાં ફાળવ્યા છે. કોઈ પણ લાભાર્થી ખેડૂત બાકી ન રહી જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ યોજનામાં ૫ હેકટર જમીનની મર્યાદા હતી તે પણ ઘટાડીને ૧ એકર કરી દીધી છે. જેથી નાના ખેડૂતોને સરકારની યોજનાનો લાભ મળે.

વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોરે કહ્યું કે, સરકાર દ્વારા ગામડામાં આવાસ યોજનાના લાભાર્થીને માત્ર ૧.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવે છે તે વ્યાજબી નથી. આ રકમમાંથી બનેલુ ઘર ૪ વર્ષ બાદ તુટી જતુ હોવાથી લાભાર્થીને વધુ સહાય મળે તો સારૂ મજબૂત મકાન બની શકે તેવી રજૂઆત કરી હતી. જેના સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, યોજનાનું સ્વરૂપ દિલહીથી નક્કી થાય છે. તેમ છતાં આ મુદ્દે ભારત સરકારનું ધ્યાન દોરીશું.

ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ધાંગડાએ જણાવ્યું કે, બોટ માલિકો દરિયામાં મચ્છીમારી માટે જાય ત્યારે માત્ર બોટનું ઈન્સ્યુરન્સ લે છે ખલાસીનો વીમો લેતા નથી. જો દરિયામાં ખલાસીને કઈ થાય તો તેના પરિવારને કોઈ રાહત મળતી નથી. જેથી ખલાસીઓનો પણ ફરજિયાત વીમો લેવા માટે બોટ માલિકોને જણાવવુ જરૂરી છે.

બેઠકના અંતે સંબંધિત ખાતાના અધિકારીઓએ પ્રજાલક્ષી વિકાસ કાર્યોની રૂપરેખા આપી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. બેઠકમાં વાપી તાલુકા પંચાયતના પ્રમુખ વાસંતીબેન પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિત્તલબેન પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન ગાવિત, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, સંગઠનના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ ખેતીવાડી, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!