VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે નવતર પ્રયાસ, વિદ્યાર્થીઓ દ્વારા ૩ લાખ પોસ્ટ કાર્ડ લખાયા

તા. ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવા અંગે માતા-પિતાને સંબોધી વિદ્યાર્થીઓએ લાગણીસભર પોસ્ટ કાર્ડ લખ્યા

મતદાન જાગૃતિ માટે પોસ્ટમેન દ્વારા ઘરે ઘરે પોસ્ટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે

એક જ દિવસે એક જ સમયે જિલ્લાના ૧૪૯૮ શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા

—- 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૫ એપ્રિલ

૨૬ – વલસાડ (અ.જ.જા.) બેઠક પર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકાર-વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ તા. ૨૫ એપ્રિલના રોજ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે વલસાડ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને આઇ. ટી. આઈ. મળી કુલ ૧૪૯૮ જગ્યાએ સવારે ૯ થી ૧૦ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા-પિતાને અવશ્ય મતદાન કરવા અંગે અનુરોધ કરતા ૩ લાખ જેટલા લાગણીસભર પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

આ સંદર્ભે વલસાડના અબ્રામા ખાતે સરસ્વતી સ્કૂલની બાજુમાં સ્થિત પ્રાથમિક શાળામાં યોજાયેલા વાલી સંદેશ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, જિલ્લા સ્વીપ નોડલ અને પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને (આઇ.પી.ઓ.એસ.) સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિકાસ પાલવેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેઓને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. મતદાનના દિવસે માતા-પિતા અને પરિવારજનો અવશ્ય મતદાન કરે એ માટે જાગૃત રહેવા જણાવ્યું હતું. મતદાન કરવું એ આપણી ફરજ, ચૂકવીએ લોકશાહીનું કરજ, આપણો વોટ આપણી તાકાત, મતદાન અમૂલ્ય અધિકાર સહિતના સ્લોગન પણ શાળામાં પ્રદર્શિત કરાયા હતા.

અબ્રામા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો. ૮ની વિદ્યાર્થિની શ્રેયાકુમારીએ જણાવ્યું કે, આજે અમારી શાળામાં મતદાન જાગૃતિ વિશે મારા મમ્મી પપ્પાને મતદાન આપણો અધિકાર છે જેથી તા. ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરજો એવો પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યો છે. વિદ્યાર્થી આકાશે જણાવ્યું કે, મારા મમ્મી પપ્પા-દાદા-દાદી અવશ્ય મતદાન કરે તે માટે આજે હું પોસ્ટ કાર્ડ લખી રહ્યો છું.

વલસાડ જિલ્લા સ્વીપના નોડલ અધિકારી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે આજે અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૩ લાખ પોસ્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વાલીને અવશ્ય મતદાન કરવા માટે સંદેશ પાઠવતા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. જેનાથી માત્ર મમ્મી-પપ્પા જ નહી પરંતુ આખુ કુટંબ મતદાન તરફ આકર્ષાશે. મતદાન જાગૃતિ માટેનો આ પ્રયોગ સફળ થાય અને મતદાનનું પ્રમાણ વધે તે માટે આ પ્રયાસ છે.

વલસાડ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ વિકાસ પાલવેએ જણાવ્યું કે, તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે આજે તા. ૨૫ એપ્રિલના રોજ ધો. ૬ થી ૧૧ ના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને મતદાન કરવા માટે જાગૃત કરવા પોસ્ટ કાર્ડ લખી રહ્યા છે. જેનાથી વાલી અને વિદ્યાર્થીઓમાં મતદાન વિશે ઉત્સાહ વધશે. આ નવતર પ્રયાસથી મતદાનની ટકાવારીનું પ્રમાણ પણ વધશે. વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા આ પોસ્ટ કાર્ડ પોસ્ટમેન દ્વારા ઘર સુધી પહોંચતા કરવામાં આવશે જેથી આ વિદ્યાર્થીઓના પરિવાર મળી અંદાજે કુલ ૧૫ લાખ લોકો સુધી મતદાન વિશે જાગૃતિ આવશે.

બોક્ષ મેટર

વિદ્યાર્થીએ લખેલા લાગણીસભર પોસ્ટ કાર્ડ અક્ષરસહ 

પોસ્ટ કાર્ડ નં. ૧

પૂજ્ય,

મમ્મી અને પપ્પા,

તમારા વ્હાલી કિશુના વંદન,

આજે હું આપની પાસેથી મતદાન કરવા અંગે પ્રોમિસ માંગુ છું, તો આપશોને? મમ્મી પપ્પા જાગજો, થોડો સમય કાઢજો. ભારતનું ભાવિ ઉજ્જવળ બનાવજો. આપનો કિંમતી વોટ જરૂર આપજો. બીજાને પણ સંદેશો ખાસ આપજો. મારી વાત માનજો… બસ થોડુ વિચારજો… બસ આજે મારી વાત માનજો…

પોસ્ટ કાર્ડ નં. ૨,

પૂજ્ય મમ્મી અને પપ્પા,

તમારા વ્હાલા દીકરા આકાશના વંદન,

લોકસભાની ચૂંટણીનો અવસર આપણા આંગણે આવ્યો છે, તે તો આપ જાણો જ છો, તો બસ આજે મારી વાત માનજો. મહાદાન અન્નદાન, દેશ માટે જરૂરી દાન મતદાન. લોકશાહીનો ઉત્સવ મતનો લાવ્યો મહોત્સવ. મારો મત મારૂ ભવિષ્ય, સૌનો મત દેશનું ભવિષ્ય, આ સાથે કહેવા માંગુ છુ કે, જો આપણે દેશનો વિકાસ ઈચ્છતા હોઈએ તો આપણે જાગૃત નાગરિક તરીકે મત આપવો જ જોઈએ. તો આથી આપનો કિંમતી સમય કાઢી કિંમતી વોટ જરૂરથી આપજો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!