VALSADVALSAD CITY / TALUKO

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્યકક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્યકક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ, 160 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો 

— રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

— રમત ગમતમાં હાર-જીત મહત્વની નથી પણ માનસિક વિકાસ અને ટીમ બનીને સાથે રહેવું મહત્વનું છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

— જી – 20 સમિટ અને વાયબ્રન્ટ ગુજરાતથી યુવાઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલતા દેશના અર્થતંત્રનો ઇતિહાસ બદલાઈ જશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

— 684 પગથિયા ધરાવતો પારનેરા ડુંગર વિજેતા સ્પર્ધકો માત્ર 10 થી 13 મીનિટમાં ચઢીને પરત આવી આવ્યા 

— યુવક અને યુવતીઓની કેટેગરીમાં કુલ 20 વિજેતા સ્પર્ધકોને કુલ રૂ. 2,34,000ના ઈનામની રકમ બેંક ખાતામાં જમા કરાશે 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. 21 જાન્યુઆરી

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના પારનેરા ડુંગર પર પ્રથમવાર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું તા. 21 જાન્યુઆરી 2024ના રોજ રવિવારે સવારે 7 કલાકે આયોજન કરાયું હતું. વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ઇનામ વિતરણ સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

માત્ર 10 થી 13 મીનિટમાં 684 પગથિયા ધરાવતો પારનેરા ડુંગર ચઢીને પરત આવેલા સ્પર્ધકોની તંદુરસ્તીને બિરદાવી રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રીએ જણાવ્યું કે, યુવાનો હંમેશા કેન્દ્રસ્થાને રહ્યા છે. અગાઉ ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદ જોવા મળતો જ્યારે અત્યારે સમગ્ર ભારતમાં માત્ર ચાર વર્ગ છે. જેના પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાર મુકી સૌ પ્રથમ મહિલા, ત્યારબાદ યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગના વિકાસ માટે આયોજન કર્યું છે અને ખાસ કરીને યુવાનોને પ્રોત્સાહન મળે અને રોજગારી વધે એ માટે દરેક પ્રયત્નો થઈ રહ્યા છે. જી-20 સમૂહ જે વિશ્વની 85% વસ્તી ધરાવતા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર વિશ્વનું 80% અર્થતંત્ર આ દેશોના હાથમાં છે આ બધા દેશોના પ્રતિનિધિ તરીકે જી-20નું પ્રમુખપદ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતને મળ્યું છે. આપણા દેશનું અર્થતંત્ર પહેલા છઠ્ઠા સ્થાને હતું, જે ઈંગ્લેન્ડ દેશે આપણા પર 250 વર્ષ રાજ કર્યુ તે ઈંગ્લેન્ડ દેશને પછાડી આપણે પાંચમા સ્થાને આવી ગયા છે એ આપણા દેશની સિદ્ધિ છે.

યુવાનો માટે રોજગારી પર ભાર આપી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશ-વિદેશની કંપનીઓ આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવી રહી છે. સાણંદ ખાતે માઇક્રો સેમિકન્ડક્ટર કંપની આવી રહી છે જેના લીધે ભારતના અર્થતંત્રનો ઇતિહાસ બદલાઈ જશે. આવતીકાલે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા દેશની સરકાર સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદ પર રચાયેલી છે. દેશની સંસ્કૃતિના વિકાસના પાયા પર રચાયેલી આ સરકાર બનારસ, વારાણસી, અંબાજી અને સોમનાથ મંદિર સહિતના ધાર્મિક સ્થળો અને યાત્રાધામોનો વિકાસ કરી રહી છે.

વડાપ્રધાનશ્રીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટ વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, યુવા વર્ગ રમતગમતમાં વધુમાં વધુ ભાગ લે તે માટે વડાપ્રધાનશ્રીએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટની સાથે ફિટનેસ સેન્ટર બનાવ્યા છે. માનસિક દ્રઢતા રમતમાંથી આવે છે. રમત આપણને હાર, જીત અને એકબીજા સાથે ભળવાનું, ટીમ બનીને રહેવાનું અને પર્સનલ સ્કીલને પણ કેળવે છે એટલે હંમેશા રમત રમતા રહેવું જોઈએ. હાર- જીત મહત્વની નથી. આપણો માનસિક વિકાસ થાય એ મહત્વનું છે. રાજ્યકક્ષાની સ્પર્ધાના આયોજન બદલ મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે યુવા દેશનું ભવિષ્ય છે. દરેક ક્ષેત્રમાં આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળે છે એટલે જ સમયાંતરે મેરેથોન અને સાયકલ મેરેથોનનું આયોજન થતું રહે છે. મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના પ્રયત્નોથી પારનેરા પ્રવાસન સ્થળના વિકાસ માટે સરકારે અઢી કરોડ ફાળવ્યા હતા. આ તીર્થધામના વિકાસ માટે ખુદ મંત્રીશ્રી કનુભાઈએ અંગત રીતે રૂ. 5 લાખનું દાન કર્યું છે. વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશીએ સ્વાગત પ્રવચન કરી સ્પર્ધા વિશે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યકક્ષાની સ્પર્ધામાં અમદાવાદ, રાજકોટ, મોરબી, સુરત, ડાંગ અને નવસારી સહિતના અન્ય જિલ્લામાંથી 19 થી 35 વર્ષ (સિનિયર વયજૂથ)ના 100 યુવક અને 60 યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. પ્રથમ 1 થી 10 યુવક અને યુવતીઓ મળી કુલ 20 વિજેતા સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે રૂ. 25 હજાર, બીજા ક્રમે રૂ. 20 હજાર અને ત્રીજા ક્રમે રૂ. 15000 થી લઈને 10માં ક્રમે વિજેતા થનારને રૂ. 5000 સુધીની ઈનામની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાશે. આમ, કુલ 20 વિજેતાઓના બેંક ખાતામાં કુલ રૂ. 2,34,000ની રકમ જમા કરાશે. અહીં વિજેતા થયેલા સ્પર્ધકો આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ જુનાગઢના ગિરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સુનિતાબેન કે. હળપતિ, પારનેરા ડુંગર શ્રી ચંડીકા, અંબિકા, નવદુર્ગા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બાબુભાઈ પી. પટેલ, પંકજભાઈ એમ પટેલ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારી જી.જી.વળવી, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશ પટેલ, મામલતદાર પી.કે.મોહનાની, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને મહામંત્રી કમલેશભાઈ પટેલ, વન વિભાગના આરએફઓ પ્રદિપ વાઘેલા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ તારેશભાઈ સોનીએ કરી હતી.

બોક્ષ મેટર

વિજેતા યુવક સ્પર્ધકો

ક્રમ નામ સમય (મિનીટ-સેકન્ડમાં)
1 અમિત શિવકુમાર સરોજ (ઉ.વ.19, રહે. ધારાનગર, ધરમપુર) 10-07
2 માલઘરીયા ચાયુરભાઈ સીતારામભાઈ (ઉ.વ.21, રહે. વઘઈ, ડાંગ) 10-12
3 માછી વિરેન્દ્ર ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.22 રહે. સુબિર, ડાંગ) 10-30
4 ટંડેલ દેવાંગ જયકુમાર (ઉ.વ. 20, રહે.મોટી સરોણ, વલસાડ 11-01
5 ધૂમ હિતેશ દેવરામભાઈ (ઉ.વ. 25, રહે. કોલવેરા, તા.કપરાડા) 11-14
6 ગાવઢા રિતેશ આનંદભાઈ (ઉ.વ. 21, રહે. ગિરનારા, કપરાડા) 11-27
7 સાવંત રાજ સુનિલ (ઉ.વ. 21, રહે. મણીનગર, મોગરાવાડી, વલસાડ) 11-30
8 સિંઘ હરખેનકુમાર ધર્મેન્દ્રભાઈ (ઉ.વ. 22, રહે. છીરી, વાપી) 11-52
9 વડ કમલેશ દેવુભાઈ 11-55
10 વાઘાત અશ્વિન શંકરભાઈ (ઉ.વ.21, રહે. ઓઝરડા, કપરાડા) 12-06

બોક્ષ મેટર

વિજેતા યુવતી સ્પર્ધકો

ક્રમ નામ સમય (મિનીટ-સેકન્ડમાં)
1 ભોયા નીકિતા બચલુભાઈ (ઉ.વ. 19, રહે, ચીંચોઝર, ધરમપુર) 13-43
2 માહલા દર્શના વસનભાઈ (ઉ.વ. 19, રહે. ખુંટલી, કપરાડા) 14-22
3 ડોક્યા અનિતા ધર્મા (ઉ.વ.19, રહે.તલાવલી,ખાનવેલ, સેલવાસ) 14-38
4 શાહ સાક્ષી મનહરલાલ (ઉ.વ.21, રહે. ડુંગરી, વલસાડ) 14-55
5 બાગુલ યશદા એમ (ઉ.વ. 18, રહે. આહવા, ડાંગ) 14-57
6 વારલી મનિષા પરભુભાઈ (ઉ.વ. 26, રહે.નિકોલી, ઉમરગામ) 15-27
7 પટેલ મુક્તિ ગણપતભાઈ (ઉ.વ. 21, રહે. કાકડમતી, વલસાડ) 15-50
8 દ્રષ્ટિ રાજેશભાઈ માંગેલા(ઉ.વ.18, રહે. નાના સુરવાડા, વલસાડ) 16-12
9 રાજભર કવિતા અચ્છેલાલ (ઉ.વ.18, રહે. ગીતાપાર્ક સોસાયટી, પારડી) 16-20
10 પાડવી રંજિતા ગોવિંદભાઈ (ઉ.વ. આહવા, ડાંગ) 16-20

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!