વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે માણેકપોરમાં વંદે માતરમ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષની ગૌરવભેર ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
વલસાડ
રાષ્ટ્રગીત વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા
કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિ રહી
વદે માતરમ એ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ છે, જે અનંત ઊર્જા અને એકતાનો સંકલ્પ જગાવે છે: ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૦૭મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપોર ખાતે વિવેકાનંદ હાઈસ્કૂલમાં અમદાવાદ નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સવારે ૯-૩૦ કલાકે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ વંદે માતરમ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષની ઉજવણી માટે પ્રેરણા આપનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે, વંદે માતરમ બે શબ્દ કે સામાન્ય નારો નથી પણ વંદે માતરમ એ ક્રાંતિનો નારો છે. જે બોલતાની સાથે જ દરેક ભારતીય પોતાના સ્થાન પર ઉભા થઇ સન્માન સાથે માં ભારતી, આ દેશની માટી અને માતૃભૂમિને વંદન કરે છે. વંદે માતરમ એ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ છે. વંદે માતરમની ધ્વનિ ભારતના આત્મામાં અનંત ઉર્જા અને એકતાનો સંકલ્પ જગાવે છે. ૧૮૫૭માં આ રાષ્ટ્રગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ કરી હોવાનું જણાવી ધારાસભ્યશ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, ૧૮૯૬માં રવીન્દ્રનાથ ટાગોરે કોલકાતામાં પ્રથમવાર પઠન કર્યું હતું અને ૧૯૫૦માં રાજેન્દ્રપ્રસાદે રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો. આઝાદીના સંગ્રામમાં આ ગીત દેશના સ્વાભિમાનનું શક્તિશાળી પ્રતીક બન્યું હતું. બ્રિટિશ સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ ગીત દેશની આત્મા અને ઓળખ બની હતી. લાલા લજપતરાય અને સુભાષચંદ્ર બોઝ સહિત અનેક આઝાદીના લડવૈયાઓ માટે જીવનમંત્ર બન્યો હતો. ક્રાંતિવીરો, સ્વાતંત્ર્યવીરો અને તરવૈયા યુવાનો આઝાદીની ચળવળમાં એક તાંતણે બંધાઈ નવી ઊંચાઈ હાંસિલ કરી હતી, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ વંદે માતરમ ગીત ગાતા ગાતા ફાંસીના માંચડે ચઢી ગયા હતા ત્યારે આજની યુવા પેઢીને વંદે માતરમ ગીતના મહત્વની ખબર હોવી જોઈએ. વંદે માતરમ રાષ્ટ્રગીત માં ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવતા હોવાનું જણાવી ધારાસભ્યશ્રી વિશ્વકર્મા વધુમાં જણાવે છે કે, મહાત્મા ગાંધીજી પત્ર લખતા ત્યારે વંદે માતરમ લખી સમાપન કરતા હતા. આજના શુભ અવસરે આ રાષ્ટ્રગીતના રચિયતા બંકિમચંદ્રજીને સ્મરણ કરી વંદન કરીએ. વિકસિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું સપનું સાકાર કરવા અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાનું કામ આપણે સૌએ સંકલ્પ લઈ સાથે મળીને કરવાનું છે.
એલઈડી સ્ક્રીન ઉપર વંદે માતરમ રાષ્ટ્રગીત મૂળ સ્વરૂપે રજૂ કરી સૌએ સમૂહગાન કર્યું હતું, ત્યારબાદ સ્વદેશી અપનાવવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલ, લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા સર્વ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, રમણલાલ પાટકર અને જીતુભાઇ ચૌધરી, માજી સાંસદ ડો.કે.સી.પટેલ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






